હાથની લકીરોને હંફાવી, પગના અંગૂઠે કંડાર્યું નસીબઃ સપનાનું આકાશ આંબતા અમદાવાદના પાર્થ રાવલની સંઘર્ષ અને સફળતાની ગાથા

રોજબરોજની તકલીફો સામે પણ અડગ આત્મવિશ્વાસ સાથે વ્હીલચેર પર બેસીને ‘સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ’ બનવાની ઝંખના સેવતો અનોખો યોદ્ધા પાર્થ TCSમાં 4 વર્ષથી કન્ટેન્ટ રાઈટર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 20 May 2026 07:15 AM (IST)Updated: Wed, 20 May 2026 07:15 AM (IST)
from-cerebral-palsy-to-tcs-the-unstoppable-journey-of-ahmedabad-parth-raval-who-writes-his-future-with-his-toes
HIGHLIGHTS
  • નસીબે છીનવ્યો હાથનો સાથ, પણ માતા-પિતાની મમતા અને અડગ મનોબળે પાર્થના પગના અંગૂઠાને બનાવી દીધી કલમ!

Cerebral Palsy Success Story: જ્યારે નિયતિ જન્મથી જ કોઈના રસ્તામાં કાંટા વેરી દે, ત્યારે મોટાભાગના લોકો નસીબને દોષ આપીને બેસી જાય છે, પણ કેટલાક લોકો એવા હોય છે જે એ કાંટાઓને જ પોતાનો રસ્તો બનાવી લે છે. આવી જ એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી કથા છે, અમદાવાદના 30 વર્ષના દિવ્યાંગ યુવાન પાર્થ કમલેશ રાવલની.

વર્ષ 1996માં જ્યારે પાર્થનો જન્મ અધૂરા માસે એટલે કે આઠમા મહિને થયો, ત્યારે પરિવારની ખુશીઓ પર ચિંતાના વાદળો છવાઈ ગયા હતા. પાર્થ સેરેબ્રલ પાલ્સી નામની ગંભીર શારીરિક બીમારી સાથે જન્મ્યો હતો. તેનું શરીર નાનપણથી જ સાથ નહોતું આપતું. દુનિયા માટે એ કદાચ એક લાચાર બાળક હતો, પણ પાર્થના મનમાં અને તેના પરિવારની આંખોમાં કંઈક અલગ જ સપના આકાર લઈ રહ્યા હતા.

પાર્થ શારીરિક રીતે 80 ટકા જેટલી ગંભીર દિવ્યાંગતા ધરાવે છે, જેના કારણે તેનું રોજબરોજનું જીવન સામાન્ય લોકો જેવું સરળ નથી. હલનચલન કરવું, બેસવું કે પોતાની દૈનિક પ્રાથમિક ક્રિયાઓ જાતે કરવી એ તેના માટે દરરોજ એક નવી અગ્નિપરીક્ષા સમાન છે. રોજબરોજના અસહ્ય પડકારો વચ્ચે પણ તેનામાં જીવન જીવવાની, કંઈક કરી બતાવવાની અદભુત ધગશ અને ખુમારી ભરેલી છે. તેની આ જ સકારાત્મકતા તેને સમાજના અન્ય યુવાનોથી અલગ પાડે છે.

પાર્થની શારીરિક મર્યાદાઓ એટલી બધી હતી કે સામાન્ય શાળાઓમાં પ્રવેશ મેળવવો પણ તેની માટે એક મોટો સંઘર્ષ હતો. આ કપરા સમયમાં તેના માતા શિલ્પાબહેન અને પિતા કમલેશભાઈ એક અડગ ખડકની જેમ તેની વહારે આવ્યા. એક દિવ્યાંગ બાળકને ઉછેરવામાં માતા-પિતાએ પોતાના સુખ-ચેનનો ત્યાગ કરી દીધો હતો.

બાળપણમાં જ્યારે બીજા બાળકો દોડતા-કૂદતા, ત્યારે પાર્થને દરેક કામ માટે માતા-પિતાના ટેકાની જરૂર પડતી. પરંતુ માતા-પિતાએ તેને ક્યારેય એકલતા કે લાચારીનો અહેસાસ થવા ન દીધો. તેમની આ અથાગ મહેનત, અજોડ મમતા અને મોટી બહેન નેહા રાવલની અદભુત ધીરજના કારણે જ પાર્થની સફર આગળ વધી.

પાર્થના શિક્ષણની શરૂઆત અમદાવાદની સંસ્થા ‘નેશનલ સોસાયટી ફોર ઈક્વલ ઓપોચ્યુનિટીઝ ફોર હેન્ડીકેપ્ડ’થી થઈ અને ત્યારબાદ આંબલીયાસણની સ્થાનિક સરકારી શાળામાં તેણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું, જ્યાં સામાન્ય બાળકોની સાથે ભણવાનો તેને અનેરો આનંદ મળ્યો.

સમય વહેતો ગયો અને ભણતરના પડકારો પણ વધતા ગયા, પણ પાર્થની મહેનત અને પરિવારની હૂંફે પરિણામો બદલી નાખ્યા. ધોરણ 10 હોય કે ધોરણ 12 કે ત્યારબાદ સ્નાતક કક્ષા, પાર્થે સામાન્ય બાળકો વચ્ચે રહીને તે ભણતર પૂરું કર્યું અને ડિગ્રી પ્રાપ્ત કરી. આ ભણતર દરેક વ્યક્તિ માટે જવાબ છે જે દિવ્યાંગતાને મર્યાદા ગણે છે. તેના હાથ લખવા માટે સક્ષમ નહોતા. હાથની લકીરોમાં ભલે સંઘર્ષ લખ્યો હોય, પાર્થે પોતાના પગના અંગૂઠાથી નવું નસીબ કંડારવાનું શરૂ કર્યું.

એક સામાન્ય માણસ તરીકે હાથના અંગૂઠા વગર મોબાઈલનો ઉપયોગ કરી જોજો અશક્ય લાગશે, પરંતુ પાર્થ પગના અંગૂઠાથી લેપટોપ-મોબાઇલનો સરળતાથી ઉપયોગ કરે છે. આજે પાર્થ પોતાના પગ અને અંગૂઠા દ્વારા લેપટોપ, મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનું અદભુત સંચાલન કરે છે! જે કીબોર્ડ પર સામાન્ય લોકો દસ આંગળીઓથી ટાઈપ નથી કરી શકતા, ત્યાં પાર્થ પોતાના પગના અંગૂઠાથી સડસડાટ શબ્દો લખે છે.

પાર્થની આ જ જિદ્દને કારણે આજે તે વિશ્વની અગ્રણી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)માં કન્ટેન્ટ રાઈટર તરીકે છેલ્લા ચાર વર્ષથી સફળતાપૂર્વક નોકરી કરીને આત્મનિર્ભર બન્યો છે. પાર્થના જીવનમાં અમદાવાદની 'યુનિક ચિલ્ડ્રન ક્લબ'નો પણ મોટો સહકાર રહ્યો છે.

નોકરી તો માત્ર આજીવિકાનું સાધન છે, પણ પાર્થનું સાચું હૃદય રમતગમતના મેદાનમાં ધબકે છે. તેને નાનપણથી જ ક્રિકેટ અને અન્ય રમતોનો જબરો શોખ છે અને હવે તે એક વ્યાવસાયિક ‘સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ’ બનવાનું સપનું સેવી રહ્યો છે. પોતાની નોકરી પૂરી કર્યા પછી, નવરાશના સમયમાં તે ઈન્ટરનેટ પર ઊંડું રિસર્ચ કરે છે અને પોતાની અદભુત સમજણના આધારે સ્પોર્ટ્સ આર્ટિકલ્સ લખે છે. ખાસ કરીને રમતગમતના વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક વિશ્લેષણાત્મક લખાણ લખવું તેને ખૂબ જ ગમે છે.

ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટનો વિવાદ હોય, આઈપીએલમાં રોહિત શર્માની કેપ્ટનશીપની અટકળો હોય, જય શાહની ICC અધ્યક્ષ તરીકેની ચૂંટણી હોય કે પછી પેરાઓલિમ્પિક્સમાં શીતલ દેવી અને અવની લેખારા જેવા એથ્લેટ્સની સિદ્ધિઓ, પાર્થે આ તમામ વિષયો પર અત્યાર સુધીમાં પોતાની ધારદાર કલમ ચલાવી છે.

'મને સ્પોર્ટ્સ અને માણસની જિંદગી એકસમાન લાગે છે. જેમ સ્પોર્ટ્સમાં હાર-જીત અને ઉતાર-ચઢાવ હોય, તેવી જ રીતે માણસની જિંદગીમાં પણ ઉતાર-ચઢાવ આવતા જ હોય છે. આ તો જીવનનો એક ભાગ છે. જો આ ઉતાર-ચઢાવ હોય તો જ જીવન જીવવાની સાચી મજા આવે.' : પાર્થ રાવલ

પાર્થ જેવા લાખો દિવ્યાંગોના સપનાઓને પાંખો આપવા માટે ગુજરાત સરકાર પણ હંમેશા કટિબદ્ધ અને પ્રયત્નશીલ રહી છે. રાજ્ય સરકાર દિવ્યાંગોના કલ્યાણ, શિક્ષણ, વિશિષ્ટ તાલીમ, રોજગારી અને સામાજિક સુરક્ષા માટે અવિરત કાર્યરત છે, જેથી સમાજનો આ વિશિષ્ટ વર્ગ ક્યારેય પાછળ ન રહી જાય અને મુખ્ય પ્રવાહમાં ખભેખભા મિલાવીને આગળ વધી શકે. ભણતર અને નોકરીના ક્ષેત્રે સરકારની વિવિધ પ્રોત્સાહક યોજનાઓ આવા જુસ્સાદાર યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

પાર્થ પોતાના જીવનના અનુભવો પરથી અન્ય દિવ્યાંગ બાળકોના માતા-પિતાને ખાસ વિનંતી કરતા જણાવે છે કે, દિવ્યાંગ બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓ અને વિશિષ્ટ કૌશલ્યોને ઓળખીને તેમને હંમેશા આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

અદભુત મનોબળ, સંગીત સાંભળવાનો અને ચેસ રમવાનો શોખ ધરાવતો આ 30 વર્ષનો યુવાન આજે સમાજના લાખો લોકો માટે એક જીવતો જાગતો પ્રેરણાદીપ છે. 'હારી જવું' એ જેના શબ્દકોશમાં નથી એવા દિવ્યાંગ પાર્થની હિંમત, તેના માતા-પિતાની અજોડ મમતા અને તેના સપનાઓને સલામ છે!