US India Relations: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાનો આદર અને મિત્રતા વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને એક "મહાન નેતા" ગણાવ્યા છે અને ઉમેર્યું છે કે તેઓ હંમેશા "યુદ્ધોથી દૂર રહે છે", જે તેમની શાણપણ અને દૂરંદેશી દર્શાવે છે. એક પ્રશ્નના જવાબમાં કે તેઓ વૈશ્વિક સ્તરે કયા નેતાઓની સૌથી વધુ પ્રશંસા કરે છે, ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નામ અગ્રેસર રાખ્યા હતા.
'મોદી 1.5 અબજ લોકોનું પ્રતિનિધિત્વ કરતા મજબૂત નેતા'
ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટમાંથી પરત ફર્યા બાદ અખબારી માધ્યમ 'એક્સિઓસ' (Axios) ને આપેલા એક ખાસ ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પીએમ મોદીના વૈશ્વિક પ્રભાવ વિશે વિગતવાર વાત કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, "પીએમ મોદી ખૂબ જ સારા વ્યક્તિ અને નેતા છે. તેઓ યુદ્ધ અને સંઘર્ષોથી દૂર રહેવાનું પસંદ કરે છે, જે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ખૂબ જ સમજદારીભર્યું પગલું છે. તેઓ વિશ્વના સૌથી મોટા દેશ એવા ભારતના 1.5 અબજ લોકોનું નેતૃત્વ કરે છે." વેપાર અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, ભારત સાથે અમેરિકા ઘણો મોટો વેપાર કરે છે અને હવે આ વેપાર વધુ વાજબી અને સંતુલિત બન્યો છે.
Donald Trump named Chinese President Xi Jinping and Prime Minister Modi as the world leaders he most admires pic.twitter.com/PkZWoc6UNb
ટ્રમ્પે પીએમ મોદીના વ્યક્તિત્વના વખાણ કરતા તેમને શારીરિક અને માનસિક રીતે અત્યંત મજબૂત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે મોદી એવા નેતા છે જેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સરળતાથી હાર માનતા નથી. જોકે, જ્યારે તેમને વિશ્વના સૌથી નબળા નેતાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈનું નામ જાહેર કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. આ દરમિયાન તેમણે G7 સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ગેરહાજરીનો ઉલ્લેખ કર્યો હતો અને યાદ અપાવ્યું હતું કે વર્ષ 2014માં ક્રિમીઆના વિલય બાદ રશિયાને આ જૂથમાંથી બહાર કરવામાં આવ્યું તે પહેલાં આ મંચ G8 તરીકે ઓળખાતું હતું.
ઇઝરાયેલ અને ઇરાન મુદ્દે ટ્રમ્પનો મોટો દાવો
આ જ ઇન્ટરવ્યુ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયાના રાજકારણ અને અમેરિકાના પ્રભાવ પર પણ આક્રમક નિવેદનો આપ્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે G7 દેશોના તમામ નેતાઓ તેમને 'બોસ' માને છે. ઇઝરાયેલ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, "ઇઝરાયેલ મારું ખૂબ સન્માન કરે છે અને હું જે કહીશ તે જ કરશે. જો હું ન હોત, તો આજે કદાચ ઇઝરાયેલનું અસ્તિત્વ જ ન હોત." તેમણે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથેના સંબંધો સારા હોવાનું સ્વીકાર્યું પરંતુ સાથે જ ઉમેર્યું કે તેમને થોડા સમજદાર રાખવા જરૂરી છે.
બીજી તરફ, ઇરાન પર પોતાની આકરી નીતિઓનો બચાવ કરતા ટ્રમ્પે વિરોધીઓને જવાબ આપ્યો હતો કે ઇરાન સામે અમેરિકાની સખ્તાઈનું પરિણામ "બિનશરતી શરણાગતિ" અને ત્યાં "શાસન પરિવર્તન" ના રૂપમાં જ આવશે. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વૈશ્વિક મંચ પર પીએમ મોદીની સ્વીકાર્યતા અને ભારતનું કદ કેટલું મજબૂત બન્યું છે.
