Ukraine drone attack on Russia: રશિયા અને યુક્રેન વચ્ચે ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધમાં ગુરુવારના રોજ એક બહુ મોટો વળાંક આવ્યો છે. યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. રશિયન અધિકારીઓએ દાવો કર્યો છે કે, તેમણે મોસ્કોના આકાશમાં યુક્રેનના 180 ડ્રોન તોડી પાડ્યા છે.
મોસ્કોના તમામ એરપોર્ટ પર બંધ થયા
આ ભયંકર હુમલા બાદ સુરક્ષાના કારણોસર મોસ્કોના તમામ મોટા એરપોર્ટ પર ફ્લાઇટ સંપૂર્ણપણે રોકી દેવામાં આવી છે. રશિયન ઉડ્ડયન સંસ્થા રોસાવિયાત્સ્યા (Rosaviatsiya) દ્વારા પુષ્ટિ કરવામાં આવી કે હવાઈ ક્ષેત્રની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફ્લાઇટ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.
ઓઇલ રિફાઇનરી પર હુમલોનો દાવો
આ ભયાનક ડ્રોન હુમલા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે યુક્રેનિયન સેનાએ આ અઠવાડિયે બીજી વખત મોસ્કોની એક બહુ મોટી ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવી છે.
ટેલિગ્રામ પર એક નિવેદન જારી કરતા રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ હુમલાને રશિયન હુમલાનો સંપૂર્ણપણે વ્યાજબી એટલે કે ન્યાયસંગત જવાબ ગણાવતા વધુમાં કહ્યું કે, "અમારા સૈનિકોએ રશિયાની એ સૈન્ય મશીનરીને નુકસાન પહોંચાડ્યું છે જે આ યુદ્ધને પ્રોત્સાહન આપે છે."
આ પણ વાંચો: US-Iran Peace Agreement: હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે ઈરાન, ઐતિહાસિક શાંતિ કરારના 14 મુદ્દા શું છે?
સમગ્ર રશિયામાં હાઈ એલર્ટ જાહેર થયું
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કર્યું કે, યુક્રેનિયન સેનાની કાર્યવાહી માત્ર મોસ્કો સુધી જ સીમિત રહી નથી. યુક્રેનિયન જવાનોએ રશિયાના રોસ્ટોવ વિસ્તારમાં અને યુક્રેનના તે ભાગોમાં પણ ઘણા સ્થળોને નષ્ટ કર્યા છે, જેની પર રશિયાએ ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો છે. આ શ્રેણીબદ્ધ અને મોટા હુમલા બાદ સમગ્ર રશિયામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
