Social Media Ban in Spain: યુરોપમાં બાળકોની ઓનલાઈન સુરક્ષા મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સ્પેન સરકારે જાહેરાત કરી છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે દેશભરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. આ જાહેરાત દેશના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ દ્વારા દુબઈ ખાતે યોજાયેલા સમિટ દરમિયાન કરવામાં આવી. સરકારનું કહેવું છે કે બાળકોને અશ્લીલ અને ઉશ્કેરણીજનક ઓનલાઈન કન્ટેન્ટથી થતા નુકસાનથી બચાવવા આ પગલું લેવામાં આવ્યું છે.
સરકાર ટૂંક સમયમાં સત્તાવાર સૂચના બહાર પાડશે, જેના અમલ બાદ 16 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો ઍક્સેસ મળશે નહીં. સાંચેઝે જણાવ્યું કે, કેટલીક મોટી ટેક કંપનીઓ તેમના પ્લેટફોર્મ પર બાળ શોષણ, અશ્લીલ ચિત્રો-વીડિયો અને ડીપફેક જેવી હાનિકારક સામગ્રીને રોકવામાં નિષ્ફળ ગઈ છે. પૈસા કમાવાની દોડમાં આ કંપનીઓ આવી કન્ટેનન્ટને અવગણે છે, પરંતુ સરકાર બાળકોના ભવિષ્ય સાથે સમજૂતી નહીં કરે.
સરકારના આ નિર્ણયને વિરોધ પક્ષે પણ સમર્થન આપ્યું છે. સાંચેઝના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા કારણે બાળકોમાં એકલતા, નૈતિક મૂલ્યોમાં ઘટાડો અને સામાજિક વર્તનમાં નકારાત્મક ફેરફારો જોવા મળી રહ્યા છે, જે દેશના ભવિષ્ય માટે ચિંતાજનક છે. આ નિર્ણય અંગે દેશવ્યાપી જાગૃતિ અભિયાન પણ હાથ ધરાશે.
સ્પેન પહેલાં ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો અને તે આવું કરનાર પ્રથમ દેશ બન્યો હતો. ડેનમાર્કએ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પ્રતિબંધ લાગુ કર્યો છે, જ્યારે ફ્રાન્સએ જાન્યુઆરી 2026માં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધનો કાયદો અમલમાં મૂક્યો છે, જે આ શૈક્ષણિક વર્ષથી શાળાઓમાં લાગુ થશે.
ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ કિંગડમ અને ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની માંગ ઉઠી છે, જોકે હજુ સુધી સત્તાવાર નિર્ણય લેવાયો નથી.
