Niger Niamey Airport Terrorist Attack: પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજરમાંથી આતંકવાદી હુમલાના એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે સવારે નાઇજરની રાજધાની નિયામીમાં આવેલા ડાયોરી હમાની આંતરરાષ્ટ્રીય વિમાનમથક (Diori Hamani International Airport) પર સશસ્ત્ર હુમલાખોરોએ અચાનક હિંસક હુમલો કર્યો હતો. દેશના સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર અહેવાલમાં જણાવ્યું છે કે, આ ભયાનક આતંકી હુમલા અને ત્યારબાદ સેના સાથે થયેલી અથડામણમાં 11 સૈનિકો અને 2 નાગરિકો સહિત કુલ 13 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. સામા પક્ષે સેનાની જવાબી કાર્યવાહીમાં 22 આતંકવાદીઓ પણ ઠાર મરાયા છે. આ ઓપરેશન દરમિયાન આશરે 20 જેટલા શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.
કલાકો સુધી ચાલ્યું ફાયરિંગ
🇳🇪🛩️🚀💥
Niger : La situation est sous contrôle après l'attaque contre l'aéroport de Niamey le jeudi 18 juin 2026.
Cette fois, les terroristes n'ont pas pu pénétrer le périmètre de l'aéroport, et les assaillants ont été neutralisés alors qu'ils tentaient de le faire.
⤵️ pic.twitter.com/MYnbmPV1cQ
નાઇજરના સંરક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ટેલિવિઝન પર જારી કરાયેલા નિવેદન અનુસાર, આ હુમલો ગુરુવારે સ્થાનિક સમય મુજબ વહેલી સવારે આશરે 6:00 વાગ્યે થયો હતો. સશસ્ત્ર હુમલાખોરો સામાન્ય નાગરિકોની જેમ ટેક્સીમાં સવાર થઈને એરપોર્ટની મુખ્ય સુરક્ષા ચોકી (Security Checkpost) પાસે પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા જ તેમણે સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જોતજોતામાં સમગ્ર એરપોર્ટ સંકુલ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું અને ઘણા કલાકો સુધી આ વિસ્તારમાં બંને પક્ષે ભારે ગોળીબાર ચાલુ રહ્યો હતો. એરપોર્ટ પર થયેલા આ હુમલાના પગલે પ્રારંભિક અહેવાલોમાં અન્ય ચાર લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી છે.
સેનાની મોટી કાર્યવાહી
હુમલાની ગંભીરતાને જોતા નાઇજરની સેનાએ તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો અને આતંકવાદીઓ વિરુદ્ધ એક મોટું કાઉન્ટર-ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ બપોર સુધીમાં સૈન્ય પરિસ્થિતિને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવવામાં સફળ રહ્યું હતું. સેના દ્વારા એરપોર્ટને ચારેય તરફથી ઘેરીને સંપૂર્ણપણે સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ વહેલી સવારના હુમલા છતાં, તંત્ર દ્વારા હવાઈ ટ્રાફિકને ખોરવાવા દેવામાં આવ્યો નથી અને ફ્લાઇટ્સની અવરજવર સામાન્ય રીતે ચાલુ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જાન્યુઆરી 2026 માં પણ ઇસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાયેલા એક આતંકી જૂથે આ જ એરપોર્ટ સંકુલ પર મોટો હુમલો કર્યો હતો, જેના બરાબર પાંચ મહિના બાદ આ બીજી મોટી દુર્ઘટના ઘટી છે.
સુરક્ષા દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે આ એરપોર્ટ
નિયામી એરપોર્ટ માત્ર એક સિવિલિયન એરપોર્ટ નથી, પરંતુ તે નાઇજર માટે વ્યુહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ લશ્કરી થાણું છે. અહીં આતંકવાદ વિરોધી દળ 'G5 સાહેલ', રશિયન સૈનિકો અને આધુનિક ડ્રોન એકમો તૈનાત છે. સૌથી મહત્વની વાત એ છે કે આ જ એરપોર્ટની સરહદમાં નાઇજરનો કિંમતી યુરેનિયમનો સ્ટોક (Uranium Stock) પણ સંગ્રહિત કરવામાં આવ્યો છે. આ જ કારણે એરપોર્ટની સુરક્ષા માટે અધિકારીઓએ તાજેતરમાં જ આસપાસની ગેરકાયદેસર વસાહતોને તોડી પાડવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત સુરક્ષા વધારવાના ભાગરૂપે પરિમિતિ દિવાલનો વિસ્તાર કરવામાં આવ્યો હતો અને ૩૫૦થી વધુ આધુનિક સુરક્ષા કેમેરા પણ સ્થાપિત કરાયા હતા, તેમ છતાં આતંકીઓ સુરક્ષા કોર્ડન તોડવામાં સફળ રહ્યા જે ચિંતાનો વિષય છે.
