Middle East Tensions: બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે બુધવારે (સ્થાનિક સમયાનુસાર) ચેતવણી આપી હતી કે ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષની યુકેના ભવિષ્ય પર ઊંડી અસર પડશે અને દેશ તેના આર્થિક પરિણામોનો સામનો કરવા માટે તૈયાર છે.
બ્રિટિશ વડાપ્રધાને એ પણ જણાવ્યં કે- આ તોફાન ગમે તેટલું મજબૂત હોય, અમે તેનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે આ તેમનું યુદ્ધ નથી અને યુકે તેમાં સામેલ થશે નહીં કારણ કે તે તેમના રાષ્ટ્રના હિતમાં નથી.
હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે દબાણ
વધતા જીવનનિર્વાહ ખર્ચ અંગેની ચિંતાઓનો જવાબ આપતા, સ્ટાર્મરે કહ્યું- યુકેમાં જીવનનિર્વાહના ખર્ચને સંબોધવાનો સૌથી અસરકારક રસ્તો એ છે કે મધ્ય પૂર્વમાં તણાવ ઓછો કરવા અને એક મહત્વપૂર્ણ ઉર્જા માર્ગ, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.
ચાલુ રાજદ્વારી પ્રયાસો પર ભાર મૂકતા તેમણે કહ્યું- અમે આ હાંસલ કરવા માટે અમારી પાસે ઉપલબ્ધ દરેક રાજદ્વારી માર્ગો શોધી રહ્યા છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે- વિદેશ સચિવ અને ચાન્સેલર G7માં તેમના સમકક્ષો સાથે મળ્યા છે. સંરક્ષણ સચિવ મધ્ય પૂર્વમાં અમારા ભાગીદારો સાથે વાતચીત કરી રહ્યા છે, અને યુકે હવે ગલ્ફ ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવાના અમારા ઈરાદાના નિવેદનને સમર્થન આપવા માટે 35 દેશોને એકસાથે લાવ્યું છે.
ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને શું કહ્યું?
આ પહેલા ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીસએ રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું હતું કે આગામી મહિનાઓ સરળ નહીં હોય.
તેમણે કહ્યું- આવનારા મહિનાઓ સરળ નહીં હોય. હું આ બાબતે સ્પષ્ટ થવા માંગુ છું. કોઈ પણ સરકાર આ યુદ્ધ દ્વારા સર્જાયેલા દબાણને દૂર કરવાનું વચન આપી શકતી નથી. હું વચન આપી શકું છું કે અમે ઓસ્ટ્રેલિયાને તેની સૌથી ખરાબ અસરોથી બચાવવા માટે શક્ય તેટલું બધું કરીશું.
તેમણે વધુમાં કહ્યું- આ અનિશ્ચિત સમય છે, પરંતુ મને વિશ્વાસ છે કે આપણે હંમેશાની જેમ સાથે મળીને કામ કરીને અને એકબીજાની સંભાળ રાખીને આ વૈશ્વિક પડકારોનો સામનો કરીશું.
નોંધનીય છે કે વિશ્વના ઓઇલ અને ગેસનો 20% આ માર્ગ પરથી પસાર થાય છે. અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ ઇરાને આ માર્ગ બંધ કરી દીધો છે.
