Middle East Conflict: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ હવે વધુ ભયાનક વળાંક પર પહોંચ્યું છે. 28 માર્ચ 2026 ના રોજ યમનના હૂતી વિદ્રોહીઓએ પહેલીવાર આ જંગમાં સીધો ઝંપલાવીને ઈઝરાયેલના હાઈફા શહેર પર મિસાઈલ અને ડ્રોન દ્વારા હુમલો કર્યો છે. આ હુમલા બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં મોટા પ્રાદેશિક યુદ્ધની આશંકાઓ તેજ થઈ ગઈ છે.
હાઈફા યુનિવર્સિટી નિશાના પર, સાયરનથી ગુંજ્યું ઈઝરાયેલ:
ઈઝરાયેલી સેના (IDF) ના જણાવ્યા અનુસાર, 'ઓપરેશન રોરિંગ લાયન' શરૂ થયાના 1 મહિના બાદ યમન તરફથી કરવામાં આવેલો આ પહેલો સીધો હુમલો છે. હૂતીઓએ હાઈફા શહેરની યુનિવર્સિટીને નિશાન બનાવી હતી. મિસાઈલ હુમલાની ચેતવણી મળતા જ દક્ષિણ ઈઝરાયેલના બીરશેબા અને નેગેવ વિસ્તારમાં યુદ્ધના સાયરન વાગવા લાગ્યા હતા. જોકે, ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમે આ મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી. હાલમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.
હૂતીઓની ચેતવણી: "અમારો હાથ ટ્રિગર પર છે"
યમની સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સારીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઈરાન અને 'એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ' વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયેલની આક્રમકતા વધશે, તો યમન સીધા યુદ્ધમાં ઉતરશે. તેમણે જણાવ્યું કે જો અન્ય કોઈ પક્ષ આ લડાઈમાં જોડાશે અથવા લાલ સમુદ્રનો ઉપયોગ ઈરાન કે અન્ય મુસ્લિમ દેશો વિરુદ્ધ કરવામાં આવશે, તો તેઓ તેને સહન કરશે નહીં. હૂતી વિદ્રોહીઓ ઈરાન સમર્થિત સંગઠન છે જે યમનના મોટા ભાગ પર નિયંત્રણ ધરાવે છે.
પરમાણુ પ્લાન્ટ પર હુમલો અને અમેરિકી સૈનિકો ઘાયલ:
આ દરમિયાન, ઈઝરાયેલે ઈરાનના બુશેહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર 10 દિવસમાં ત્રીજી વખત હુમલો કર્યો છે. જોકે, ઈન્ટરનેશનલ એટૉમિક એનર્જી એજન્સી (IAEA) મુજબ રિએક્ટરને કોઈ નુકસાન થયું નથી. વળતા જવાબમાં ઈરાને સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકી સૈન્ય મથક 'પ્રિન્સ સુલતાન એર બેઝ' પર મિસાઈલ હુમલો કર્યો હતો, જેમાં 10 અમેરિકી સૈનિકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે.
ટ્રમ્પનો શાંતિનો દાવો:
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન હવે સંપૂર્ણપણે નબળું પડી ગયું છે અને યુદ્ધ સમાપ્ત થયા બાદ 'અબ્રાહમ એકોર્ડ' ને આગળ વધારવાનો સમય આવશે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ જંગ મહિનાઓ સુધી નહીં પણ થોડા અઠવાડિયામાં જ સમાપ્ત થઈ જશે અને આ માટે જમીની સેના મોકલવાની જરૂર પડશે નહીં.
