Loading...

Indonesia Helicopter Crash: ઇન્ડોનેશિયાના પશ્ચિમ કાલીમંતનમાં હેલિકોપ્ટર ક્રેશ; આઠ લોકોના મોત

ઇન્ડોનેશિયાના પશ્ચિમ કાલીમંતન પ્રાંતમાં સર્જાયેલી એક ગંભીર વિમાન દુર્ઘટનામાં હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે તેમાં સવાર તમામ આઠ લોકોના કરુણ મોત નિપજ્યા છે.

By: Dimpal GhoyalEdited By: Dimpal Ghoyal Publish Date: Fri 17 Apr 2026 12:14 PM (IST)Updated: Fri 17 Apr 2026 12:14 PM (IST)
indonesia-helicopter-crash-eight-onboard-aftermath-in-west-kalimantan-729594

Indonesia Helicopter Crash: ઇન્ડોનેશિયાના પશ્ચિમ કાલીમંતન પ્રાંતમાં સર્જાયેલી એક ગંભીર વિમાન દુર્ઘટનામાં હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે તેમાં સવાર તમામ આઠ લોકોના કરુણ મોત નિપજ્યા છે. ઇન્ડોનેશિયાની બચાવ એજન્સીના વડા મોહમ્મદ સ્યાફી'ઇએ જણાવ્યું હતું કે એરબસ H130 હેલિકોપ્ટર સાથેનો સંપર્ક ગુરુવારે સવારે તૂટી ગયો હતો, મેલાવીના એક વાવેતર વિસ્તારમાંથી ઉડાન ભર્યાના પાંચ મિનિટ પછી તાત્કાલિક શોધખોળ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

દુર્ઘટનાનું કારણ અસ્પષ્ટ

દુર્ઘટનાના સ્થળ વિશે માહિતી આપતા બચાવ એજન્સીના વડા મોહમ્મદ સ્યાફી'ઇએ જણાવ્યું કે આ વિસ્તાર અત્યંત ગીચ જંગલો અને ખડકાળ ડુંગરાળ ભૂપ્રદેશથી ઘેરાયેલો છે, જેના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. બચાવ ટીમોને તપાસ દરમિયાન હેલિકોપ્ટરના પૂંછડીના ભાગનો કાટમાળ મળી આવ્યો છે, જે સંપર્ક તૂટ્યો હતો તે સ્થાનથી આશરે 3 કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં વિખરાયેલો હતો. હેલિકોપ્ટરમાં બે ક્રૂ સભ્યો અને છ મુસાફરો સહિત કુલ આઠ લોકો સવાર હતા અને દુર્ઘટનાની તીવ્રતા જોતા તેમાંથી કોઈ પણ જીવિત બચ્યું નથી.

છ મુસાફરો અને બે ક્રૂ સભ્યો સવાર હતા

સ્થાનિક બચાવ એજન્સીના પ્રવક્તાએ પુષ્ટિ આપી હતી કે આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર છ મુસાફરો અને બે ક્રૂ સભ્યોના મોત થયા હતા. શુક્રવારે લશ્કરી અને પોલીસ કર્મચારીઓ સહિત બચાવ ટીમો જમીન માર્ગે દુર્ઘટના સ્થળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી.

આ હેલિકોપ્ટર જે વાવેતર વિસ્તારમાંથી ઉડાન ભરી રહ્યું હતું તે ઇન્ડોનેશિયન પામ ઓઇલ કંપની 'સિપ્ટા મહકોટા'નું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં લશ્કરી અને પોલીસ જવાનોની સંયુક્ત ટીમો જમીન માર્ગે દુર્ઘટનાના મુખ્ય સ્થળ સુધી પહોંચવા અને મૃતદેહોને બહાર કાઢવા માટે મથામણ કરી રહી છે. જોકે કાટમાળ મળી આવ્યો છે, પરંતુ હેલિકોપ્ટર કયા સંજોગોમાં ક્રેશ થયું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. અધિકારીઓ આ મામલે ઊંડી તપાસ કરી રહ્યા છે જેથી ટેકનિકલ ખામી કે ખરાબ હવામાન જેવા કારણો જાણી શકાય. પશ્ચિમ કાલીમંતનનો આ દુર્ગમ વિસ્તાર બચાવકર્તાઓ માટે એક મોટો પડકાર બની રહ્યો છે.