Balochistan Attack: પાકિસ્તાનનો બલૂચિસ્તાન પ્રાંત ફરી એકવાર ભયાનક હિંસાની લપેટમાં આવ્યો છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ શનિવારે પાકિસ્તાની સેના વિરુદ્ધ 'ઓપરેશન હારુફ' ના બીજા તબક્કાની જાહેરાત કરી છે. આ ઓપરેશન હેઠળ બળવાખોરોએ એકસાથે 48 લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા છે, જેમાં પાકિસ્તાની સેના અને પોલીસ પર આત્મઘાતી હુમલાઓ અને ગોળીબાર કરવામાં આવ્યો છે.
BLA નો 84 સૈનિકોને માર્યાનો દાવો
BLA ના પ્રવક્તા જિયાંદ બલોચે નિવેદન જારી કરીને દાવો કર્યો છે કે, આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 84 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. તેમણે આ કાર્યવાહીને "કબજેદાર દળો" સામેનો નિર્ણાયક પ્રતિકાર ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2024 માં શરૂ થયેલા આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય બલૂચિસ્તાનના હાઈવે અને સૈન્ય છાવણીઓ પર અંકુશ મેળવવાનો છે.
સરકારી આંકડા અને વળતો પ્રહાર
બીજી તરફ, પાકિસ્તાન સરકાર અને બલૂચિસ્તાન વહીવટીતંત્ર અલગ આંકડા રજૂ કરી રહ્યા છે:
- 70 બળવાખોરો ઠાર: સરકારનો દાવો છે કે સુરક્ષા દળોએ વળતી કાર્યવાહીમાં 70 બળવાખોરોને મારી નાખ્યા છે.
- સુરક્ષા કર્મચારીઓના મોત: સરકારે માત્ર 10 સુરક્ષા કર્મચારીઓના મોતની પુષ્ટિ કરી છે.
- નાગરિકો પર હુમલો: ફેડરલ મંત્રી અતાઉલ્લાહ તરારે જણાવ્યું હતું કે ગ્વાદરમાં બળવાખોરોએ નિર્દોષ નાગરિકોને પણ નિશાન બનાવ્યા છે.
હુમલાના મુખ્ય કેન્દ્રો
બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદના જણાવ્યા મુજબ, હિંસાની આ આગ ક્વેટા, ગ્વાદર, મકરામ, હબ, ચમન અને નસિરાબાદ જેવા મહત્વના વિસ્તારોમાં ફેલાઈ છે. પંજગુર અને હરનાઈમાં પાકિસ્તાની સેનાએ 41 લડવૈયાઓને માર્યા હતા, જેના બદલા તરીકે BLA એ આ આક્રમક રણનીતિ અપનાવી છે.
સ્થિતિ હજુ પણ ગંભીર
બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ પુષ્ટિ કરી છે કે શુક્રવાર રાત્રે શરૂ થયેલી આ અથડામણ શનિવાર સાંજ સુધી ચાલુ હતી અને હજુ પણ કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઓપરેશન ચાલુ છે. સમગ્ર પ્રાંતમાં હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે અને સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
