Loading...

સોમનાથ સર્કિટ હાઉસના પી.પી.પી. મોડેલ અંગે તંત્રની સ્પષ્ટતાઃ સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો યથાવત રહેવા સાથે યાત્રિકો માટે ફોર-સ્ટાર કક્ષાની સુવિધા ઊભી થશે

સોમનાથ સર્કિટ હાઉસના પી.પી.પી. મોડેલ હેઠળના સંચાલન અંગે વિવિધ માધ્યમોમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આ અહેવાલો બાબતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 31 Mar 2026 04:05 PM (IST)Updated: Tue 31 Mar 2026 04:05 PM (IST)
veraval-news-somnath-circuit-house-ppp-model-govt-clarifies-four-star-upgrade-jobs-unaffected-718981

Veraval News: સોમનાથ સર્કિટ હાઉસના પી.પી.પી. મોડેલ હેઠળના સંચાલન અંગે માધ્યમોના અહેવાલો બાબતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખુલાસો કરતા જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અત્યંત પારદર્શક રીતે, ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા (RFP) મારફતે સોમનાથ સર્કિટ હાઉસનું સંચાલન અને નિભાવણી (Operation & Maintenance) PPP ધોરણે સોંપવામાં આવેલ છે.

જે મુજબ, RFP મુજબ વાર્ષિક લાયસન્સ ફી ની મૂળ કિંમત (Estimated Cost) રૂ. 30.72 લાખ રાખવામાં આવી હતી. જેની સામે ખુલ્લી હરાજીમાં ઉચ્ચતમ બોલી (H1) લગાવનાર એજન્સી (MCWAY MANAGEMENTS LTD) ને પ્રથમ વર્ષ માટે રૂ. 81,00,000/- (એક્યાસી લાખ પૂરા)ની વાર્ષિક ફી પેટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, દર વર્ષે આ લાયસન્સ ફીમાં 5% નો ફરજિયાત વધારો કરવામાં આવશે.

સર્કિટ હાઉસ ચલાવવા પાછળ સરકારને વહીવટી/નિભાવણી ખર્ચ અને લાઈટબિલ મળીને આશરે કુલ રૂ. 132 લાખનો ખર્ચ થયેલ છે. જેની સામે સરકારને રૂ. 21 લાખની આવક થયેલ છે. આમ, રાજ્ય સરકારને આશરે રૂ. 111 લાખ જેટલો જંગી ખર્ચ ભોગવવો પડતો હતો. જે PPP મોડેલને કારણે શૂન્ય થઈ જશે.

આ અતિથિ ગૃહમાં સરકાર માટે રૂમો અનામત રાખવામાં આવ્યા છે. વધુમાં, આ અતિથિ ગૃહમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રી જેવાં સન્માનનીય મહાનુભાવો માટે 2 રૂમ કાયમી ધોરણે અનામત રાખવામાં આવેલ છે. જેની જાળવણીની કામગીરી સંચાલક દ્વારા કરવામાં આવશે.

સર્કિટ હાઉસ ખાતે 53 આઉટસોર્સ એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ કાર્યરત હતા. પરંતુ હવે PPP હેઠળની નવી એજન્સીએ ફરજિયાતપણે ફ્રન્ટ ડેસ્ક, હાઉસકીપિંગ, સિક્યૂરિટી અને કેટરિંગ માટે અંદાજિત 50 જેટલો ક્વોલિફાઇડ સ્ટાફ રાખવામાં આવશે. આમ, સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો યથાવત જ રહેશે અને યાત્રિકો માટે ફોર-સ્ટાર કક્ષાની સુવિધા ઊભી થશે.

સોમનાથ સર્કિટ હાઉસનું PPP મોડેલ પર સંચાલન એ માર્ગ અને મકાન વિભાગનો અત્યંત સુવિચારિત, ડેટા-આધારિત અને સરકારી તિજોરીને નુકસાનીમાંથી બહાર કાઢી નફાકારક બનાવવા માટે લેવાયેલો નીતિગત નિર્ણય છે. સંચાલક એજન્સીએ સંપૂર્ણ નિભાવણી પોતાના ખર્ચે કરી, ફોર-સ્ટાર કક્ષાની હોસ્પિટાલિટી સેવાઓ આપવાની છે, જેના પર રાજ્ય સરકારનું સઘન મોનિટરિંગ રહેશે.