Somnath Temple: મહાશિવરાત્રીના આગમન પૂર્વે સોમનાથનું વાતાવરણ ભક્તિમય બની રહ્યું છે, ત્યારે શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર સક્રિય બન્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે મહાશિવરાત્રી પૂર્વે જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય દ્વારા સવારના સમયે સોમનાથ મંદિર, શોપિંગ હાટ સહિત મંદિર પરિસર આસપાસના વિવિધ સ્થળોની પગપાળા મુલાકાત લઈ અને સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે શ્રદ્ધાળુઓ માટે દર્શન અને ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. આગામી 14થી 16 ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
કલેક્ટરએ શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે એ માટે ફ્રિસ્કિંગ પોઈન્ટ, લગેજ પોઈન્ટ સહિતની પૂરતી વ્યવસ્થાઓ તેમજ બહારથી આવતા યાત્રિકોની પાર્કિંગ વ્યવસ્થા સહિત ટ્રાફિક નિયમન જળવાઈ રહે એ માટે વન વે અને નો પાર્કિંગના જાહેરનામા અને સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના મુદ્દે ઉપસ્થિત શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.

મહાશિવરાત્રીના પર્વ દરમિયાન સોમનાથના આંગણે ભક્તોની ભીડ રહે છે ત્યારે જૂના સોમનાથ મંદિર તરફનો અને સાગરદર્શન તરફ જતો રસ્તો માત્ર રાહદારીઓ માટે જ રહેશે. મહાશિવરાત્રી નિમિત્તે શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈ શકે એ માટે ભંડારાની વ્યવસ્થા તેમજ તા.14, 15 અને 16 ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ પરિસરમાં ભક્તિસભર અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
ઉલ્લેખનીય છેકે, બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના આંગણે મહાશિવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટતું હોય છે. ત્યારે, શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં કોઈ અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કલેક્ટરની પ્રત્યક્ષ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા પી.જી.વી.સી.એલ, નગરપાલિકા સહિત સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
