Gir Somanth: દેશના 77માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તથા સોમનાથ સ્વાભિમાન પર્વના સંયુક્ત અવસરે પ્રભાસ તીર્થ આજે રાષ્ટ્રપ્રેમ અને ધર્મભક્તિના દૈવીય સંગમ રૂપે ઝળહળી ઉઠ્યું. સોમનાથ તીર્થમાં કેસરિયા ધર્મ ધ્વજ અને રાષ્ટ્રના ગૌરવ એવા ત્રિરંગા ધ્વજથી સમગ્ર પરિસર ભવ્ય અને ગૌરવમય વાતાવરણમાં રૂપાંતરિત થયું.
આ વિશેષ અવસરે શ્રી સોમનાથ મંદિર પર કેસરિયા, સફેદ અને લીલા રંગની વિશેષ લાઇટિંગ દ્વારા તિરંગી રોશની કરવામાં આવી હતી. મંદિર પરિસરની આ અલૌકિક રોશનીએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સ્વાભિમાનનું જીવંત પ્રતિબિંબ રજૂ કર્યું.
તિરંગી રોશનીના દિવ્ય દર્શન કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયા હતા. ભક્તોએ આ પાવન ક્ષણોને કેમેરામાં કેદ કરી સ્મરણિય બનાવ્યા હતા. સમગ્ર પ્રભાસ તીર્થમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે ભક્તિ અને ગૌરવનું અનોખું સંમિશ્રણ અનુભવાયું.

પ્રજાસત્તાક પર્વ અને સોમનાથ સ્વાભિમાન પર્વના આ સંયુક્ત ઉજવણી પ્રસંગે સોમનાથ તીર્થે ફરી એકવાર દેશના સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતિક તરીકે પોતાની વિશિષ્ટ ઓળખ ઉજાગર કરી છે.
