Sasan Gir and Girnar Jungle Safari Closed: સાસણ ગીર અને ગિરનાર જંગલમાં ફરવા તથા એશિયાટિક સિંહોના દર્શન કરવા માટે આવતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા આજે સોમવારે સાંજથી જ સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારીને આગામી ચાર મહિના માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન પર પૂર્ણ રોક
વન વિભાગના આ નિર્ણય મુજબ, હવે આગામી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ સિંહ દર્શનનો લાભ લઈ શકશે નહીં. દર વર્ષે ચોમાસાની ઋતુમાં મુખ્યત્વે વન્યજીવોની સુરક્ષા, જંગલની કુદરતી પ્રક્રિયાના સંરક્ષણ અને પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવે છે. ચોમાસુ પૂર્ણ થયા બાદ, જંગલના રસ્તાની સ્થિતિ અને સુરક્ષાની યોગ્ય સમીક્ષા કર્યા પછી જ સફારી સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવશે.
શા માટે બંધ કરવામાં આવી સફારી સેવાઓ?
ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડે છે. જેના કારણે ખાસ કરીને જંગલના કાચા રસ્તા ધોવાઈ જાય છે અને વાહનોની અવરજવર જોખમી બની શકે છે. આ ઉપરાંત, ગીર અને ગિરનાર જંગલ વિસ્તારમાં વહેતી હિરણ, શિંગોડા, મચ્છુન્દ્રી અને રાવલ જેવી નદીઓમાં ચોમાસામાં ઘોડાપૂર આવવાની પૂરેપૂરી સંભાવના રહે છે. પાણીનો પ્રવાહ અચાનક વધવાથી જંગલમાં જતા પ્રવાસીઓ અને વાહનો માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે, જેથી પૂર્વ સાવચેતીના ભાગરૂપે સફારીને અસ્થાયી રીતે બંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો: છેલ્લા 3 દિવસમાં વાયરસ સંક્રમણથી એકપણ સિંહનું મોત નહીં, વનમંત્રી મોઢવાડિયાએ સ્થિતિની સમીક્ષા કરી
વન્યજીવોના પ્રજનન અને કુદરતી સંતુલન જરૂરી
ચોમાસાની ઋતુ પ્રવાસીઓ માટે જેટલી જોખમી છે, વન્યજીવો માટે તેટલી જ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જંગલની કુદરતી પ્રક્રિયાઓ સક્રિય હોય છે અને તે અનેક પ્રાણીઓ માટે પ્રજનન તેમજ વસવાટનો મુખ્ય સમય હોય છે.
આ મહત્વપૂર્ણ સમયગાળામાં વન્યજીવોને કોઈપણ પ્રકારની માનવીય ખલેલ ન પહોંચે અને જંગલનું નૈસર્ગિક સંતુલન યોગ્ય રીતે જળવાઈ રહે તે હેતુથી વન વિભાગ દ્વારા સફારી પર પ્રતિબંધ મૂકીને આ ચાર માસનું વેકેશન જાહેર કરવામાં આવે છે.
