Sabarmati to Veraval Train: ગીર સોમનાથ જિલ્લામાં સ્થિત સોમનાથ ખાતે હજારો વર્ષોની અતૂટ શ્રદ્ધા અને આસ્થા, તેમજ ભારતની સનાતન ચેતનાના પ્રગટીકરણ સમા એક વિરાટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ, રત્નાકર સાગરના તટે આવેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિર(somnath Temple) પરિસરમાં આગામી 8 થી 11 જાન્યુઆરી દરમિયાન 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેના પગલે પશ્ચિમ રેલવે દ્વારા આજથી 11 જાન્યુઆરી સુધી અમદાવાદ(સાબરમતી), સુરત અને વડોદરાથી વેરાવળ સુધીની સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
સોમનાથમાં 72 કલાકનો અખંડ ઓમકારનાદ
ભારતના અડગ અને અતૂટ ખુમારીનું પ્રતીક સમો સોમનાથ સ્વાભિમાન પર્વ દેશના 140 કરોડ નાગરિકોના હૃદયમાં આસ્થા અને નવી ચેતનાનો સંચાર કરશે. આ ચાર દિવસીય મહોત્સવ દરમિયાન, 72 કલાકનો અખંડ ઓમકારનાદ ગુંજતો રહેશે, જે 'ૐ'ના નિરંતર ઉચ્ચારણ દ્વારા ઇતિહાસ અને અધ્યાત્મનો દિવ્ય સંગમ પ્રસ્તુત કરશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક ક્ષણના સાક્ષી બનવા માટે સર્વે ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સ્પેશિયલ ટ્રેન વેરાવળ સુધી દોડાવાશે
પશ્ચિમ રેલવે(western railway)એ સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન યાત્રાળુઓની વધતી જતી સંખ્યા અને સંભવિત ટ્રાફિકને પહોંચી વળવા માટે મહત્વની જાહેરાત કરી છે. રેલવે પ્રશાસને સાબરમતી, સુરત અને વડોદરાથી વેરાવળ (સોમનાથ) સુધી વિશેષ ભાડા પર અનારક્ષિત વિશેષ ટ્રેનો(Special Trains) દોડાવવાનો નિર્ણય લીધો છે. આ વિશેષ ટ્રેનો સંપૂર્ણપણે અનારક્ષિત (Unreserved) હશે અને તેમાં ફક્ત સામાન્ય શ્રેણીના (General Second Class) કોચ જ જોડવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, આ તમામ ટ્રેનો 'સ્પેશિયલ ફેર' (વિશેષ ભાડા)ના ધોરણે ચલાવવામાં આવશે.
સાબરમતી – વેરાવળ સ્પેશિયલ ટ્રેન (Sabarmati-Veraval Train) (ટ્રેન નંબર 09411/09412)
- સાબરમતીથી વેરાવળ તરફ જતી ટ્રેન નંબર 09411 તારીખ 07, 08, 09 અને 10 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે 11 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 6.30 કલાકે વેરાવળ પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર 09412 વેરાવળથી તારીખ 08, 09, 10 અને 11 જાન્યુઆરીના રોજ રાત્રે 10.50 કલાકે રવાના થશે. બીજા દિવસે સવારે 8 વાગ્યે પહોંચશે.
- સ્ટોપેજ: ખોડિયાર, ચાંદલોડિયા બી, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ.
સુરત – વેરાવળ સ્પેશિયલ ટ્રેન (Surat-Veraval Train) (ટ્રેન નંબર 09061/09062)
- દક્ષિણ ગુજરાતના યાત્રાળુઓ માટે, સુરત-વેરાવળ સ્પેશિયલ ટ્રેન (09061) તારીખ 07 થી 10 જાન્યુઆરી, 2026 સુધી દરરોજ સાંજે 5કલાકે સુરતથી ઉપડશે અને બીજા દિવસે વહેલી સવારે 5 વાગ્યે વેરાવળ પહોંચશે. વેરાવળથી સુરત પરત ફરતી ટ્રેન (09062) તારીખ 08 થી 11 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે 10 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 10 વાગ્યે સુરત પહોંચશે.
- સ્ટોપેજ: ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ.
વડોદરા – વેરાવળ સ્પેશિયલ ટ્રેન (Vadodara-Veraval train) (ટ્રેન નંબર 09121/09122)
- વડોદરાથી વેરાવળ તરફ જતી સ્પેશિયલ ટ્રેન (09121) તારીખ 07 થી 10 જાન્યુઆરી, 2026 સુધી સાંજે 19:30 કલાકે વડોદરાથી રવાના થશે અને બીજા દિવસે સવારે 05:30 કલાકે વેરાવળ પહોંચશે. પરત મુસાફરીમાં ટ્રેન નંબર 09122 વેરાવળથી તારીખ 08 થી 11 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે 22:20 કલાકે ઉપડશે. બીજા દિવસે સવારે 8.30 વાગ્યે પહોંચશે.
- સ્ટોપેજ: આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ.
