Gir Somnath: વેરાવળ-સોમનાથ બાયપાસ પર ટ્રેક્ટર અને એક્ટિવાની જોરદાર ટક્કર, બે માસિયાઈ ભાઈના મોત

આ ઘટનાને પગલે સમગ્ર પંથક અને પાટીદાર સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 13 Jun 2026 07:48 AM (IST)Updated: Sat, 13 Jun 2026 07:48 AM (IST)
gir-somnath-veraval-bypass-accident-mini-tractor-and-activa-collide-two-dead

Gir Somnath Accident: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-સોમનાથ બાયપાસ માર્ગ પર 12 જૂન, શુક્રવારની સાંજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ત્રણ માસિયાઈ ભાઈ એક્ટિવા પર સવાર થઈ સોમનાથ મહાદેવના દર્શને જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની ટક્કર એક મિની ટ્રેક્ટર સાથે થઈ હતી. આ બનાવમાં બે યુવકોના મોત થયા, જ્યારે અન્ય એક ભાઈની સારવાર ચાલી રહી છે.

દર્શને જતા સમયે કાળમુખો અકસ્માત નડ્યો 

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, શુક્રવારે સાંજે આશરે 5 વાગ્યાના અરસામાં ત્રણ માસિયાઈ ભાઈઓ એક જ એક્ટિવા (GJ 32 P 5378) પર સવાર થઈને સોમનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા હતા. તે જ સમયે તાલાલા ચોકડી બ્રિજ નજીક તેમના એક્ટિવા અને એક મિની ટ્રેક્ટર (GJ 32 T 2862) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

18 વર્ષીય વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત

આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે એક્ટિવા ચલાવી રહેલા તેજસ્વી વિદ્યાર્થી અક્ષર ગઢિયાને માથા અને શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા દેવ અને આર્યનને 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક લોકોની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

વધુ એક યુવકનું મોત, પોલીસ તપાસ શરૂ 

ઇજાગ્રસ્તો પૈકી દેવ વિઠ્ઠલપરાની હાલત વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું. જ્યારે આર્યન બરાસરાની સારવાર હજુ ચાલુ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો અને મૃતકના દેહને PM માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતકો

  • 18 વર્ષીય અક્ષર અરવિંદભાઈ ગઢિયા (વેરાવળ)
  • 18 વર્ષીય દેવ અશોકભાઈ વિઠ્ઠલપરા (વેરાવળ)

ઇજાગ્રસ્ત

  • 18 વર્ષીય દેવ આર્યન વસંતભાઈ બરાસાર (મોરબી)

IIT માં એડમિશનની ખુશી માતમમાં ફેરવાઈ

આ બનાવમાં 18 વર્ષીય મૃતક અક્ષર ગઢિયા વેરાવળનો રહેવાસી છે. આ વિદ્યાર્થી તાજેતરમાં જ ધોરણ 12 માં 90 ટકાથી વધુ ગુણ મેળવીને તામિલનાડુની પ્રતિષ્ઠિત વેલ્લુર IIT માં એડમિશન મેળવ્યું હતું. આ સફળતાની ખુશી વહેંચવા અને ઉચ્ચ શિક્ષણ અંગે માર્ગદર્શન મેળવવા માટે મોરબીથી તેના બે માસિયાઈ ભાઈ દેવ વિઠ્ઠલપરા અને આર્યન બરાસરા (બંનેની ઉંમર 18 વર્ષ) તેને મળવા માટે વેરાવળ આવ્યા હતા.

બીજી તરફ, સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે તાલાલા ચોકડી બ્રિજ અને બાયપાસ માર્ગ પર વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી અકસ્માતોનો ગ્રાફ સતત વધી રહ્યો છે, જેણે માર્ગ સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. પોલીસે હાલ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.