Loading...

પુત્રને બચાવવા પિતાએ ખેલ્યો જીવ સટોસટનો ખેલઃ ઉનામાં વૃદ્ધે દીપડા સાથે બાથ ભીડી, દાતરડું મારી મોતને ઘાટ ઉતાર્યો

દીપડાએ બાબુભાઈને છોડી દીધા હતા અને શાર્દુલ પર જીવલેણ હુમલો કરી તેના ગળા અને શરીરના ભાગે બચકાં ભરવાનું શરૂ કર્યું હતું.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 29 Jan 2026 11:15 AM (IST)Updated: Thu 29 Jan 2026 11:16 AM (IST)
gir-somnath-news-father-fights-leopard-to-protect-son-loses-life-in-una-681688

Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં અવારનવાર માનવ અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષની ઘટનાઓ સામે આવતી રહે છે, પરંતુ ગઈકાલે મોડી રાત્રે ગાંગડા ગામની સીમમાં જે ઘટના બની તેણે સૌના કાળજા કંપાવી દીધા છે. એક પિતાએ પોતાના યુવાન પુત્રનો જીવ બચાવવા માટે સાક્ષાત મોત સમાન દીપડા સાથે બાથ ભીડી હતી અને આખરે દીપડાને મોતને ઘાટ ઉતાર્યો હતો.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, ઉના તાલુકાના ગાંગડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા 60 વર્ષીય બાબુભાઈ નારણભાઈ વાજા ગત રાત્રે નિત્યક્રમ મુજબ પોતાના ઘરની ઓસરીમાં બેઠા હતા. રાત્રિના સુમસામ અંધકારનો લાભ લઈ શિકારની શોધમાં નીકળેલા એક કદાવર દીપડાએ ઓચિંતા જ બાબુભાઈ પર તરાપ મારી હતી.

પુત્ર મદદે આવ્યો અને દીપડાએ નિશાન બદલ્યું બાબુભાઈ પર થયેલા હુમલાને કારણે તેમણે બુમાબુમ કરી મૂકતા, ઘરમાં સૂઈ રહેલો તેમનો 27 વર્ષીય પુત્ર શાર્દુલ વાજા સફાળો જાગી ગયો હતો અને પિતાને બચાવવા બહાર દોડી આવ્યો હતો. શાર્દુલને જોતા જ દીપડાએ બાબુભાઈને છોડી દીધા હતા અને શાર્દુલ પર જીવલેણ હુમલો કરી તેના ગળા અને શરીરના ભાગે બચકાં ભરવાનું શરૂ કર્યું હતું.

પિતાએ જીવની પરવા કર્યા વગર હથિયાર ઉપાડ્યા પોતાના જુવાનજોધ પુત્રને દીપડાના જડબામાં ફસાયેલો જોઈને વૃદ્ધ પિતા બાબુભાઈનું લોહી ઉકળી ઉઠ્યું હતું. દીપડાના હુમલાથી પુત્ર અને પોતાને બચાવવા કરવા માટે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેમણે પાસે પડેલા ખેતીના ઓજારો જેવા કે ભાલા અને દાતરડા વડે દીપડા પર વળતો પ્રહાર શરૂ કર્યો હતો. આ લોહિયાળ જંગમાં પિતાએ પૂરી તાકાતથી દીપડાનો સામનો કરતા આખરે હિંસક પશુ ત્યાં જ ઢળી પડ્યું હતું અને તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. વન વિભાગને જાણ કરાતા અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.