Valsad News: વલસાડમાં આવેલા ઉમરગામ-દમણ કોસ્ટલ હાઈવે પર એક આશ્ચર્યજનક દ્રશ્ય જોવા મળ્યું હતું. સોના જેવી વસ્તુને વેરાયેલી જોઈને લોકોના ટોળેટોળા વીણવા વળી ગયા હતા. મળતી વિગતો મુજબ, ઉમરગામની જીઆઈડીસી વિસ્તારમાંથી સ્ક્રેપ ભરીને એક ટેમ્પો ઉમરગામ-દમણ કોસ્ટલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તેવામાં ગાડીમાંથી સ્ક્રેપમાંથી ચળકતા ટુકડા રસ્તા પર વેરાઈ ગયા હતા.
સ્થાનિક લોકો ચળકતા ટુકડાને વીણવા ઉતર્યા
હાઈવે પર ચળકતા ટુકડા સોના જેમ ચમકતા હતા. જેથી રસ્તા પર સ્થાનિકો ચળકતા ટુકડાને સોનું સમજી બેઠા હતા. જોતજોતામાં વાત વાયુવેગે ફેલાઈ ગઇ હતી. અક્રરા મારુતિથી મરોલી સુધીમાં સ્થાનિક લોકો ટુકડા વીણવા માટે ઉમટી ગયા હતા. જેથી ભારે અચરજભર્યુ દ્રશ્ય સર્જાયું હતું. જોકે, રસ્તા પર વેરાયેલા ચળકતા ટુકડા સોનાનાં નહીં પરંતુ શુદ્ધ તાંબાના એટલે કે, કોપરનાં હતા.
હકીકતમાં ચળકતી ધાતુ 'કોપર' નીકળ્યું
આ કોપરના ટુકડાને કોપર ગ્રેન્યુઅલ્સ કહેવાય છે. આ ધાતુને જૂના ઇલેક્ટ્રીક વાયરમાંથી મશીનથી પ્લાસ્ટીક કાઢીને શુદ્ધ તાંબાના ટુકડા બને છે. જ્યારે લોકોને જાણ થતા જ ગામના નાના બાળકો, મહિલાઓ અને મોટેરાઓ રસ્તા પર ઉમટી પડ્યા હતા. જેમને જીવને જોખમમાં મૂકીને રસ્તા પર કોપરના ટુકડા વીણવા લાગ્યા હતા.
કોપરનો ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગ
આ કોપર ગ્રેન્યુઅલ્સને રિ સાયક્લીંગ કરીને ઓગાળી નાખવામાં આવે છે. જેને ફરીથી નવા વાયર, પાઈપ, અને અન્ય વસ્તુઓમાં ઉપયોગમાં લેવાય છે. ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઘણી કોપર કંપનીઓ અને વાયરનું ઉત્પાદન કરતી કંપનીઓમાં આનો ઉપયોગ થાય છે. બજારમાં હાલ કોપર સ્ક્રેપનો ઉપયોગ રુ. 650થી રુ. 750 જેટલો ચાલે છે.
