Valsad: વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં-48 પર આવેલી પારડી મામલતદાર કચેરી નજીક કાળમુખા કન્ટેનર હેઠળ ચગદાઈ જતાં એક યુવકનું દર્દનાક મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.
ઑવરટેક કરવાના ચક્કરમાં કન્ટેનરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નેશનલ હાઈવે 48 પર એક કન્ટેનર પુરપાટ ગતિએ પસાર થઈ રહ્યું હતુ. આ દરમિયાન પારડી મામલતદાર કચેરી નજીક એક કાર ચાલકે કન્ટેનરને ઑવર ટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે કન્ટેનરના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
જે બાદ બેકાબુ કન્ટેનર પુરપાટ ગતિએ હાઈવેની સાઈડમાં રહેલા રહેણાંક મકાનની છત તોડીને અંદર ખાબક્યું હતુ. આ સમયે ઘરમાં જમવા બેઠેલો યુવક કન્ટેનર નીચે ચગદાઈ ગયો હતો. જેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.
આ ઘટનાના પગલે અકસ્માત સ્થળે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં પારડી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે ક્રેઈનની મદદથી કન્ટેનરને હટાવવાની કામગીરી કરવા સાથે આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ વિપુલ ડીંડોર (17) તરીકે થઈ છે. જે 2 મહિનાથી જ પોતાના મામા-મામી સાથે આ મકાનમાં રહેવા માટે આવ્યો હતો. આ દરમિયાન અકસ્માતમાં તેનું મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
