NEET-UG 2026 ના પરીક્ષાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દોડાવશે 5 જોડી સ્પેશિયલ ટ્રેન, જાણો ટાઈમ ટેબલ અને રૂટ

તમામ સ્પેશિયલ ટ્રેનો માટે એડવાન્સ બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 19 Jun 2026 09:56 AM (IST)Updated: Fri, 19 Jun 2026 09:56 AM (IST)
western-railway-special-train-schedule-for-neet-ug-2026-examinees-in-gujarat
NEET-UG 2026 Re-exam Special train: NEET-UG 2026 પરીક્ષા આપવા જઈ રહેલા હજારો વિદ્યાર્થીઓની સુવિધા સુનિશ્ચિત કરવા અને પરીક્ષાના દિવસે થતી વધારાની ભીડને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ મહત્વનો રાહતરૂપ નિર્ણય કર્યો છે. પશ્ચિમ રેલવે વિશેષ ભાડા પર પાંચ જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. આ ટ્રેનો વિદ્યાર્થીઓને તેમના પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર અને સરળતાથી પહોંચવામાં મદદરૂપ થશે.

પરીક્ષાર્થીઓ માટે સ્પેશિયલ ટ્રેન, બુકિંગ શરૂ

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ તમામ 5 સ્પેશિયલ ટ્રેનો માટેનું એડવાન્સ બુકિંગ આજથી એટલે કે 19 જૂન, 2026 થી શરૂ થઈ ગયું છે. આ તમામ ટ્રેનોમાં મુસાફરોની સગવડ માટે સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચની વ્યવસ્થા રાખવામાં આવી છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓ આ નિર્ધારિત ટ્રેનો માટે તમામ PRS કાઉન્ટર પરથી તેમજ IRCTC અધિકૃત વેબસાઈટ (https://www.irctc.co.in/nget/train-search) પરથી ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકશે.

આ 5 રૂટ પર દોડશે સ્પેશિયલ ટ્રેનો

વિદ્યાર્થીઓની સરળતા માટે નીચે મુજબના રૂટ પર ટ્રેનો દોડાવવામાં આવશે:

  • બાંદ્રા ટર્મિનસ - ડો. આંબેડકર નગર (09351/09352) 

આ ટ્રેન 20 જૂને બાંદ્રાથી સાંજે 6:20 કલાકે ઉપડશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન વાપી, સુરત, વલસાડ, ભરૂચ, ગોધરા, રતલામ અને ઉજ્જૈન જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાશે.

  • બાંદ્રા ટર્મિનસ - મણિનગર (09471/09472)

આ ટ્રેન 20 જૂને બાંદ્રાથી રાત્રે 9:15 કલાકે ઉપડશે. જે વાપી, સુરત, ભરૂચ અને આણંદ થઈને મણિનગર પહોંચશે.

  • ઓખા - ગાંધીનગર કેપિટલ (09554/09553)

આ ટ્રેન 20 જૂને વહેલી સવારે 5:00 કલાકે ઓખાથી ઉપડશે અને જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર થઈને ગાંધીનગર પહોંચશે.

  • ભાવનગર - ગાંધીગ્રામ (09254/09253)

આ ટ્રેન 20 જૂને સવારે 11:40 કલાકે ભાવનગરથી ઉપડીને બોટાદ, ધંધુકા અને સાણંદ થઈને ગાંધીગ્રામ પહોંચશે.

  • ઈન્દોર - ભોપાલ - રતલામ (09354/09353)

આ ટ્રેન 20 જૂને સવારે 11:25 કલાકે ઈન્દોરથી ઉપડી ભોપાલ જશે અને ત્યાંથી રાત્રે 7:40 કલાકે રતલામ જવા માટે રવાના થશે.

રેલવે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ અપીલ

રેલવે તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને સમયસર સ્ટેશન પહોંચી જવા અને કોઈ પણ પ્રકારની અગવડતા ટાળવા માટે ટિકિટનું બુકિંગ વહેલી તકે કરી લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના આ નિર્ણયથી ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસે મુસાફરીમાં મોટી રાહત મળશે તેવી આશા છે.