Loading...

વડોદરામાં લાંચનો વિવાદ: PSI એન.એન. ઝવેરીએ લાંચ લીધાનો આક્ષેપ, પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ

રિફાઈનરી પોલીસ ચોકીના તત્કાલીન PSI એન.એન. ઝવેરીએ મારામારીના એક કેસમાં લાંચ માંગી હોવાનો એક આરોપીએ ગંભીર આક્ષેપ કર્યો છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 02 Feb 2026 11:21 AM (IST)Updated: Mon 02 Feb 2026 11:40 AM (IST)
vadodara-viral-video-of-bribe-allegations-on-refinery-police-station-psi-nn-zaveri-684231
HIGHLIGHTS
  • વડોદરા પોલીસ વિભાગના એક અધિકારી આવ્યા વિવાદમાં
  • PSI એન.એન. ઝવેરીએ એક કેસમાં લાંચ માંગી હોવાનો આક્ષેપ  
  • વીડિયો વાયરલ થતા પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ

Vadodara PSI bribe controversy: વડોદરા પોલીસના એક અધિકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રિફાઈનરી પોલીસ ચોકીના તત્કાલીન PSI એન.એન. ઝવેરી પર મારામારીના એક કેસમાં લાંચ માંગી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં PSI ઝવેરીના હાથમાં રૂપિયા હોય તેવું દર્શાવાયું છે. પોલીસ અધિકારી દ્વારા કુલ 40 હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

PSI ઝવેરીએ લાંચ માંગ્યાનો આક્ષેપ

આ આક્ષેપ મુસ્તુફા ઉર્ફે ઇનાયત ઈબ્રાહિમ ખટકીએ કર્યો છે. ઇનાયત ખટકીનું કહેવું છે કે, 25 જાન્યુઆરી, 2025 ના રોજ અકબર નામના વ્યક્તિ સાથે થયેલા ઝગડાના કેસમાં તેને રાહત આપવા માટે પોલીસે પૈસા પડાવ્યા હતા. PSI ઝવેરીએ 20 હજાર રૂપિયા લીધા હોવાનો અને કુલ 40 હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો તેણે જેલમાંથી મુક્ત થયા બાદ જાહેર કર્યો છે, જે હવે સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

જેલમુક્ત થયા બાદ આરોપીએ કર્યો વીડિયો વાયરલ

ઉલ્લેખનીય છે કે, ઇનાયત ખટકી અગાઉ ગૌમાંસ વેચાણના ગુનામાં પાસા હેઠળ ધરપકડમાં લેવાયો હતો. એક મહિના પહેલા જ તે જેલમાંથી મુક્ત થયો છે. જેલ મુક્ત થયા બાદ તેણે લાંચની લેતીદેતી દર્શાવતો વીડિયો વાયરલ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. આ કારણે કેસ વધુ સંવેદનશીલ બન્યો છે.

પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ

આ વીડિયો એક વર્ષ પહેલાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, હાલમાં જ આ વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો સામે આવતા પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. વડોદરા પોલીસ કમિશનરે સમગ્ર મામલે ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા છે. આ તપાસની જવાબદારી DCP ઝોન-1 ને સોંપવામાં આવી છે.

PSI એન.એન. ઝવેરી હાલ ક્યાં છે?

આ દરમિયાન PSI એન.એન. ઝવેરીની રિફાઈનરી પોલીસ ચોકીમાંથી બદલી કરવામાં આવી છે. તેઓ પહેલા જવાહરનગર ખાતે હતા, ત્યારબાદ પાણીગેટ અને હાલ ટ્રાફિક વિભાગમાં તેમની બદલી થઈ હોવાનું જાણવા મળે છે. હવે સમગ્ર મામલે તપાસ બાદ સાચી હકીકત શું છે તે સામે આવશે.