વડોદરા બનશે ગુજરાતનું પ્રથમ ‘વાયર-ફ્રી’ સિટી: 2,060 કરોડના ખર્ચે વીજ લાઈનો જશે ભૂગર્ભમાં

વડોદરા મહાનગરપાલિકા અને MGVCL દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 19 Jun 2026 10:44 AM (IST)Updated: Fri, 19 Jun 2026 10:44 AM (IST)
vadodara-to-become-wire-free-city-mgvcl-underground-power-lines-by-vmc

Vadodara Wire-free city project: વડોદરા શહેરને આધુનિક, સુરક્ષિત અને વધુ સુંદર બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા અને MGVCL દ્વારા એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ‘ગુજરાત વાયર-ફ્રી સિટી મિશન’ અંતર્ગત હવે વડોદરા શહેરની હવામાં લટકતી વીજળીની લાઈનોને ભૂગર્ભમાં ઉતારવામાં આવશે. આ પ્રોજેક્ટના સફળ અમલીકરણ બાદ વડોદરા ગુજરાતનું સર્વપ્રથમ ‘વાયર-ફ્રી’ શહેર બનવા જઈ રહ્યું છે.

પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ અને કામગીરી

અંદાજે રૂ. 2,060 કરોડના જંગી ખર્ચે આ હાઈટેક પ્રોજેક્ટ સાકાર થશે, જેના પ્રથમ તબક્કામાં વાસણા, ભાયલી, સમા, અટલાદરા અને અકોટા જેવા વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરના વિવિધ વિસ્તારમાં  હવામાં લટકતી વીજળીની લાઈનોને ભૂગર્ભમાં (Underground cabling) ઉતારવામાં આવશે. 

અત્યાર સુધીના મળેલા આંકડા મુજબ, શહેરમાં કુલ 1700 સર્કિટ કિમીના HT નેટવર્કમાંથી 1391 કિમી લાઈન સફળતાપૂર્વક અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવી છે. બાકી રહેલું કામ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેવી જ રીતે, આગામી સમયમાં એલટી (LT) નેટવર્કને પણ તબક્કાવાર રીતે અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે.

તંત્રને શાંતિ, નાગરિકોને અનેક ગણો ફાયદો

વાયર-ફ્રી સિટી પ્રોજેક્ટ અને અંડરગ્રાઉન્ડ કેબલિંગ માત્ર શહેરના સૌંદર્યમાં જ વધારો નહીં કરે, પરંતુ સામાન્ય નાગરિકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

  • ચોમાસા દરમિયાન વરસાદ કે વાવાઝોડામાં વીજળી ગુલ થવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો.
  • રસ્તા પર લટકતા ખુલ્લા વીજ તારોને કારણે થતા અકસ્માતોનું જોખમ સંપૂર્ણપણે દૂર.
  • રસ્તા પરથી વીજ વાયરોના ગૂંચળા દૂર થવાથી શહેરની સુંદરતામાં નિખાર આવશે.
  • વીજ જાળવણી પાછળ થતા ખર્ચ અને સમયમાં મોટી બચત થશે.
  • સમગ્ર વીજ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ બનશે.

આધુનિક વડોદરા તરફ એક ઐતિહાસિક કદમ

વડોદરાને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાના પ્રયાસોમાં આ પ્રોજેક્ટ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. તંત્ર દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે પૂરજોશમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વડોદરાના નાગરિકોને વધુ સુરક્ષિત, ગુણવત્તાયુક્ત અને અવિરત વીજ સેવાઓનો લાભ મળશે. શહેરને વાયર-ફ્રી બનાવવાની વડોદરાની આ પહેલ ભવિષ્યમાં અન્ય શહેરો માટે પણ એક મોડેલ બની રહેશે.