Vadodara: વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભારતી વિદ્યાલયમાં આજથી 7 વર્ષ પૂર્વે ધોરણ-9ના વિદ્યાર્થીની ઘાતકી હત્યાના કેસમાં ચિલ્ડ્રન કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.
જેમાં 14 વર્ષના વિદ્યાર્થી દેવકિશન ભગવાનદાસ તડવીની શાળાની અંદર છરીના 30થી વધુ ઘા મારીને હત્યા કરવાના કેસમાં સગીર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ કોર્ટે આરોપી પર રૂ.10 હજારનો દંડ પણ લાદ્યો છે. દંડ ન ભરાય તો વધુ છ મહિનાની સાદી કેદની જોગવાઈ પણ કરાઈ છે.
સ્કૂલના શૌચાલયમાંથી ચીસો સાંભળી શિક્ષકો દોડ્યા હતા
આ ઘટના 22 જૂન 2018ના રોજ બની હતી. દેવ તડવીએ શાળામાં માત્ર બે દિવસ પહેલાં જ ધોરણ-9માં પ્રવેશ લીધો હતો. ઘટનાના દિવસે સવારની પાળી છૂટતી અને બપોરની પાળી શરૂ થતી હોવાથી શાળામાં ભારે અવરજવર હતી. એ દરમિયાન શાળાના શૌચાલયમાંથી અચાનક ચીસાચીસ સંભળાતા શિક્ષકો દોડી ગયા હતા. ત્યાં દેવ તડવી લોહીલુહાણ હાલતમાં પડેલો મળી આવ્યો હતો અને તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને શાળામાં લાગેલા આઠ CCTV કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા. ફૂટેજમાં પહેલા બે વિદ્યાર્થીઓ દોડતા બહાર નીકળતા અને ત્યારબાદ હાથમાં લોહી લાગેલો છરો લઈને એક સિનિયર વિદ્યાર્થી બહાર દોડતો જોવા મળ્યો હતો. એક શિક્ષકે આ વિદ્યાર્થીને ધોરણ-10માં ભણતા સગીર તરીકે ઓળખ્યો હતો.
સ્કૂલમાં રજા પડે તે માટે નિર્દોષ દેવને ક્રૂરતાથી રહેંસી નાંખ્યો
તપાસમાં ખુલ્યું કે, વર્ગશિક્ષક દ્વારા ઠપકો મળતા આરોપી વિદ્યાર્થીએ શાળામાં રજા પડે તે હેતુથી તેને ઓળખતા પણ ન હોય તેવા દેવ તડવીને નિશાન બનાવ્યો હતો. કોર્ટે નોંધ્યું કે ઘટના સમયે આરોપીની ઉંમર માત્ર 16 વર્ષની હોવા છતાં તેણે ગુનાની ગંભીરતા, પરિણામ અને તેની અસર સમજીને અત્યંત ક્રૂર કૃત્ય કર્યું છે.
ફરિયાદી પક્ષના વકીલ પી.સી. પટેલે કોર્ટમાં દલીલ કરી હતી કે આવા ગુનામાં હળવાશ રાખી શકાય નહીં. ચિલ્ડ્રન કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપીને દોષિત ઠેરવી કડક સજા સંભળાવી છે.
