Vadodara Railway Division: પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગે દહેજ અદાણી પોર્ટ સાઇડિંગથી મહારાષ્ટ્રના લાતુર સુધી પ્રથમ મીની ખાતર રેક સફળતાપૂર્વક લોડ કરીને માલ પરિવહન ક્ષેત્રમાં એક નવી સિદ્ધિ નોંધાવી છે. મુખ્યત્વે કોલસા લોડિંગ હબ તરીકે જાણીતા દહેજ અદાણી પોર્ટ સાઇડિંગમાંથી પ્રથમ વખત ખાતરનું લોડિંગ કરવામાં આવતાં આ ઘટના વિભાગ માટે ઐતિહાસિક ગણાઈ રહી છે.
ડિવિઝનલ રેલ્વે મેનેજર રાજુ ભડકેના માર્ગદર્શન અને સક્ષમ નેતૃત્વ હેઠળ હાથ ધરાયેલી આ પહેલ ઉપલબ્ધ રેલવે માળખાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા તેમજ નવા પ્રકારના માલ ટ્રાફિકને આકર્ષવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે.
કોલસા સાઇડિંગમાંથી ખાતર લોડિંગ શરૂ કરવાનો નિર્ણય અમલી
આ સફળતાનો પાયો ડિસેમ્બર 2025 દરમિયાન ભડકે દ્વારા કરવામાં આવેલા સાઇડિંગના નિરીક્ષણ દરમિયાન નાખવામાં આવ્યો હતો. તે સમયે સાઇડિંગની ક્ષમતાનો વધુ અસરકારક ઉપયોગ કેવી રીતે થઈ શકે અને નવા વ્યાપારિક અવસરો કેવી રીતે સર્જી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ વિચારના પરિણામ સ્વરૂપે કોલસા સાઇડિંગમાંથી ખાતર લોડિંગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે હવે સફળતાપૂર્વક અમલમાં આવ્યો છે.
આ અંગે પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ જાહેર કરેલી માહિતી મુજબ, 4 જૂન 2026ના રોજ દહેજ અદાણી પોર્ટથી લાતુર સુધીના પ્રથમ ખાતર રેકના પરિવહન માટે 21 વેગન ધરાવતી મીની BCN ખાતર રેકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ રેક આશરે 926 કિલોમીટરનું અંતર કાપશે અને વડોદરા વિભાગને અંદાજે રૂ. 20.54 લાખની નૂર આવક પ્રાપ્ત કરાવશે. આયાતી ખાતરનો આ જથ્થો કૃષિ ક્ષેત્રની જરૂરિયાતોને સમયસર અને સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
લાતુર માટે પ્રથમ ખાતર રેકની સફળ રવાનગી વડોદરા વિભાગની વ્યાપારિક દૃષ્ટિ, નવીનતા અને કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ સિદ્ધિ દહેજ અદાણી પોર્ટ સાઇડિંગ માટે નવા અધ્યાયની શરૂઆત સમાન છે અને ભવિષ્યમાં વિવિધ પ્રકારના માલ ટ્રાફિકને આકર્ષવાની વિશાળ સંભાવનાઓ ઉભી કરે છે.
વડોદરા વિભાગ ગ્રાહકોને વધુ ગુણવત્તાયુક્ત માલ પરિવહન સેવાઓ પૂરી પાડવા અને રેલવેના માલવાહક વ્યવસાયને નવી ઊંચાઈઓએ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે.
