VIDEO: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે વડોદરામાં અનોખો નજારો, સ્વિમિંગ પૂલમાં મહિલાઓએ 'જળ યોગ'ની સાધના કરી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે વડોદરામાં 50થી વધુ મહિલાઓએ સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના સ્વિમિંગ પૂલમાં અનોખો 'જળ યોગ' કર્યો. આ સત્ર યોગગુરુ રાજેશ બારોટ અને સુપ્રિયા ભાવસારના માર્ગદર્શન હેઠળ યોજાયું, જેણે ફિટનેસનો સંદેશ આપ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 20 Jun 2026 10:12 PM (IST)Updated: Sat, 20 Jun 2026 10:12 PM (IST)
vadodara-news-women-perdorm-unique-water-yoga-ahead-of-yoga-day-2026

Yoga Day 2026, Water Yoga: આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે વડોદરા શહેરમાં એક અનોખી અને આકર્ષક પહેલ જોવા મળી હતી. શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આવેલા સ્વિમિંગ પૂલમાં 50થી વધુ મહિલાઓએ પાણીમાં ઉતરીને અદભૂત 'જળ યોગ' પ્રસ્તુત કર્યો હતો, જે લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

સામાન્ય રીતે જમીન પર યોગ કરતા આપણે સૌએ જોયા છે, પરંતુ પાણીની સપાટી પર રહીને શરીરનું સંતુલન જાળવવું એ એક મોટી કળા છે. આ પડકારને ઝીલી લેતા મહિલાઓએ ખૂબ જ સચોટતા અને એકાગ્રતા સાથે યોગાસનો કર્યા હતા. આ વિશેષ યોગ સત્રનું આયોજન શહેરના જાણીતા યોગગુરુ રાજેશ બારોટ અને એડવાન્સ યોગ ઇન્સ્ટ્રક્ટર સુપ્રિયા ભાવસારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

 

 પાણીમાં પણ દેખાયો મહિલાઓનો યોગ પ્રત્યેનો ઉત્સાહ

પાણીના તરંગો વચ્ચે પણ પોતાની એકાગ્રતા અકબંધ રાખીને મહિલાઓએ વિવિધ આસનો કર્યા હતા. જેમાં મુખ્યત્વે પલ્વીની પ્રાણાયામ, વન લેગ બેલેન્સિંગ, હેન્ડ સ્ટેન્ડ અને ગરુડાસન જેવી કઠિન મુદ્રાઓનો સમાવેશ થતો હતો. પૂલની અંદર મહિલાઓની આ સાધના જોઈને પ્રેક્ષકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

Screenshot 2026-06-20 220553

ફિટનેસનો આપ્યો સંદેશ

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો અને ફિટનેસનો સકારાત્મક સંદેશ પહોંચાડવાનો હતો. યોગગુરુ રાજેશ બારોટે જણાવ્યું હતું કે, "જળ યોગ શરીરની લવચીકતા વધારે છે અને માનસિક શાંતિ આપે છે. આ મહિલાઓએ સાબિત કર્યું છે કે જો મક્કમ નિર્ધાર હોય તો કોઈપણ પરિસ્થિતિમાં યોગ કરી શકાય છે."

આ અનોખા જળ યોગ દ્વારા વડોદરાની મહિલાઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે શહેરને સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનો નવો મંત્ર આપ્યો છે. આ આયોજનને સફળ બનાવવા માટે તમામ સહભાગીઓ અને પ્રશિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.