Vadodara: માંજલપુર પેટાચૂંટણી પૂર્વે ભાજપમાં 'કોલ્ડ વૉર', પૂર્વ મેયર નિલેશ રાઠોડે બદનક્ષીનો દાવો દાખલ કર્યો

વડોદરાની માંજલપુર પેટાચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિવાદ વકર્યો છે, જેમાં પૂર્વ મેયર નિલેશ રાઠોડે અલ્પેશ લિમ્બાચિયા સામે બદનક્ષીનો દાવો કર્યો છે. આ કાનૂની કાર્યવાહી ભાજપના આંતરિક રાજકારણ અને સત્તાની ખેંચતાણ દર્શાવે છે, જે ચૂંટણીના સમીકરણોને પ્રભાવિત કરી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 20 Jun 2026 08:41 PM (IST)Updated: Sat, 20 Jun 2026 08:41 PM (IST)
vadodara-news-exmayor-files-defamation-suit-amid-manjalpur-byelection

Vadodara: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી પૂર્વે રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મેયર નિલેશ રાઠોડે પોતાના અને પરિવારના માન-સન્માનને ઠેસ પહોંચાડવાના આરોપ સાથે અલ્પેશ લિમ્બાચિયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ કોર્ટમાં ક્રિમિનલ બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે. આ ઘટનાએ ભાજપના આંતરિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

નિલેશ રાઠોડે ભાજપના જ નેતા અને પૂર્વ શાસક પક્ષના નેતા અલ્પેશ લિમ્બાચિયા, તેમના સાળા અમિત લિમ્બાચિયા અને આકાશ નાઈ વિરુદ્ધ આ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

તેમનો આરોપ છે કે, આ તમામ વ્યક્તિઓએ મળીને સોશિયલ મીડિયા અને પત્રિકાઓ દ્વારા નિલેશ રાઠોડ અને તેમના ભાઈઓ વિરુદ્ધ પાયાવિહોણી અને અપમાનજનક સામગ્રી ફેલાવી તેમની છબી ખરડવાનું કામ કર્યું છે.

નિલેશ રાઠોડે જણાવ્યું કે, આ માત્ર વ્યક્તિગત વિવાદ નથી, પરંતુ જાહેર જીવનમાં વર્ષોની મહેનતથી બનાવેલી પ્રતિષ્ઠા પરનો હુમલો છે, જેને હું કાયદાકીય માર્ગે લડી રહ્યો છું.

પોલીસ ફરિયાદ બાદ હવે કોર્ટમાં લડાઈ

ફરિયાદીના વકીલ એડવોકેટ અમીષ દાદાવાલાએ જણાવ્યું કે, અગાઉ આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે યોગ્ય કલમોનો સમાવેશ ન કરાતા હવે સીધી કોર્ટમાં ફોજદારી બદનક્ષીનો દાવો કરાયો છે.

ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, વકીલ તરફથી એવી પણ ચીમકી આપવામાં આવી છે કે આગામી સમયમાં માનહાનિ બદલ વળતર માંગતો સિવિલ દાવો પણ દાખલ કરવામાં આવશે.

રાજકીય સમીકરણો પર અસરની શક્યતા

આ સમગ્ર વિવાદનું રાજકીય મહત્વ એટલા માટે વધી ગયું છે કારણ કે માંજલપુર પેટાચૂંટણીમાં નિલેશ રાઠોડ અને અલ્પેશ લિમ્બાચિયા બંનેને ભાજપના પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવે છે. આ કાનૂની લડાઈને રાજકીય વિશ્લેષકો સત્તાની ખેંચતાણ અને આંતરિક જૂથવાદના દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે. ચૂંટણી નજીક છે, ત્યારે ઉમેદવારી મેળવવા માટેના ગણિતમાં આ વિવાદ ભાજપના આંતરિક સમીકરણો પર મોટી અસર કરી શકે છે. હાલ આ મામલે પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ વડોદરાના રાજકીય વર્તુળોમાં આ કેસ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બન્યો છે.