Vadodara: માંજલપુરમાં ખાદ્યપદાર્થોમાં બેદરકારી: પિઝીનોઝ પિઝામાં ગાર્લિક બ્રેડમાંથી ફૂગ નીકળતા હોબાળો

વડોદરાના માંજલપુરમાં પિઝીનોઝ પિઝામાં ગાર્લિક બ્રેડમાંથી ફૂગ (ફંગસ) નીકળતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો. તેમજ કાર્યવાહી કરવાની માંગણી થઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 24 May 2026 04:52 PM (IST)Updated: Sun, 24 May 2026 04:53 PM (IST)
vadodara-manjalpur-pizzinos-pizza-fungus-garlic-bread-food-safety

Vadodara News: વડોદરા શહેરમાં ખાણીપીણીના શોખીનો માટે એક ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના માંજલપુર તુલસીધામ ચાર રસ્તા નજીક આવેલા પ્રખ્યાત ‘પિઝીનોઝ પિઝા’ના આઉટલેટમાં એક પરિવારને ખૂબ જ કડવો અને આરોગ્ય સાથે ચેડાં કરતો અનુભવ થયો છે. રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા પરિવારને ફૂગવાળો ખોરાક પીરસવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. જેના પગલે ગ્રાહકો દ્વારા તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

શું હતો સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, માંજલપુરનો એક પરિવાર તુલસીધામ ચાર રસ્તા પાસેના પિઝીનોઝ પિઝા આઉટલેટમાં પિઝા ખાવા માટે ગયો હતો. પરિવારે ત્યાં ઉપલબ્ધ કોમ્બો પેકનો ઓર્ડર આપ્યો હતો. પ્રથમ સ્ટાર્ટર્સ લીધા બાદ જ્યારે ટેબલ પર ગાર્લિક બ્રેડ સર્વ કરવામાં આવી, ત્યારે તેમાં સ્પષ્ટપણે ફૂગ (ફંગસ) વળેલી જોવા મળી હતી. આ જોઈને પરિવારની મહિલા ગ્રાહક ચોંકી ઉઠી હતી અને તેમણે તાત્કાલિક આ અંગે ત્યાંના સ્ટાફ અને મેનેજરને બોલાવી રજૂઆત કરી હતી.

સ્ટાફ અને મેનેજરનું ઉદ્ધત વર્તન

પીડિત ગ્રાહકના આક્ષેપ અનુસાર, આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ પણ આઉટલેટના મેનેજર કે સંચાલકોએ કોઈ ખેદ વ્યક્ત કર્યો ન હતો. મેનેજરે ગ્રાહકને એવું કહી દીધું કે, "સારું, તમે બિલ પે ના કરશો" અને એટલું કહીને તે ત્યાંથી ચાલતો બન્યો હતો. ગ્રાહકે આ મામલે લેખિતમાં જવાબ માંગ્યો અને આઉટલેટના મુખ્ય સંચાલક સાથે પણ વાત કરવા પ્રયાસ કર્યો. પરંતુ જવાબદારોએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ત્યાંથી ચાલતી પકડી લીધી હતી.

ગ્રાહકનો આક્ષેપ: કાર્યવાહીની માંગ

ગ્રાહકે આક્ષેપ કર્યો કે, અમે પૈસા આપીને શુદ્ધ ખોરાક ખાવા આવીએ છીએ, ઝેર નહીં. ફૂડ સેફ્ટીના નિયમોના અહીં સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે આવી રમત સાંખી ન લેવાય." લોકોની માંગ છે કે, આરોગ્ય સાથે ખુલ્લેઆમ બાંધછોડ કરતા આવા બેફામ આઉટલેટ્સ સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક તપાસ કરી સીલ મારવા સુધીના પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈના સ્વાસ્થ્ય સાથે આવા ચેડાં ન થાય.