Vadodara News: વડોદરા શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી એરડા કંપનીમાં આજે એક ગોઝારી ઘટના સામે આવી છે. કંપનીમાં કામ કરી રહેલા એક એપ્રેન્ટિસ યુવકનું વીજ કરંટ લાગવાના કારણે અકાળે મોત નીપજતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે. આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, મકરપુરા GIDCમાં કાર્યરત એરડા કંપનીમાં એપ્રેન્ટિસ તરીકે ફરજ બજાવતા આશાસ્પદ યુવક કામ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. અકસ્માત સર્જાતા જ કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પુત્રને ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું
મૃતક યુવક તેના માતા-પિતાનું એકનું એક સંતાન હતો અને પરિવારનો મુખ્ય આધાર હતો. આ અગાઉ જ તેણે પોતાના મા-બાપની છત્રછાયા ગુમાવી દીધી હતી અને હવે આ અકાળે અવસાનથી તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. યુવકના મોતની જાણ થતા જ તેના પાડોશમાં રહેતા લોકો અને સ્નેહીજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સ્થાનિકો અને પરિવારજનોનો આક્ષેપ
સ્થાનિક લોકો અને મૃતકના પરિચિતોએ કંપની તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે, કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા માટે પૂરતા સાધનો કે સાવચેતી રાખવામાં આવતી નથી.

પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કંપની તંત્રની બેદરકારી છે કે કેમ, તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની તપાસ બાદ જ સત્ય સામે આવશે. પરંતુ આ ઘટનાએ સમગ્ર વડોદરામાં ભારે ચકચાર જગાવી દીધી છે.
