Loading...

Vadodara: વાઘોડિયામાં દારૂના કટિંગમાં પોલીસ-બુટલેગરની સાંઠગાંઠ, કરોડોની લેવડદેવડનો ઘટસ્ફોટ થતાં તત્કાલીન PI સસ્પેન્ડ

રૂ. 17.72 લાખના દારૂના જથ્થા સાથે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે ત્યાંથી મળી આવેલી હિસાબની 9 ડાયરીઓમાં અનેક પોલીસ કર્મીઓના નામ હતા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 04 Feb 2026 09:32 PM (IST)Updated: Wed 04 Feb 2026 09:32 PM (IST)
vadodara-liquor-racket-exposed-waghodia-pi-suspended-over-police-bootlegger-nexus-685924
HIGHLIGHTS
  • 9 જાન્યુઆરીએ SMCની ટીમે વાઘોડિયાના આનંદનગરી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો

Vadodara: વડોદરા જિલ્લાના વાઘોડિયામાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા કરાયેલા મોટા દરોડાએ સમગ્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવ્યો છે. વિદેશી દારૂના કટીંગના ગંભીર કેસમાં વાઘોડિયાના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ પોલીસ વિભાગમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે.

SMCને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ગત 9 જાન્યુઆરીની રાત્રે વાઘોડિયા ગામના બસ સ્ટેન્ડ પાછળ આવેલા આનંદ નગરી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો લાવી કારોમાં ભરવાનો ધંધો ચાલી રહ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 6,129 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની કિંમત અંદાજે રૂ. 17.72 લાખ થાય છે.

આ કાર્યવાહી દરમિયાન બુટલેગર અને દારૂ સપ્લાયર સહિત કુલ 9 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે વૈભવી કારો સહિત કુલ 10 વાહનો, 12 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 41.92 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે વાઘોડિયા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

જો કે આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો તપાસ દરમિયાન મળી આવેલી 9 ડાયરીઓ (ચોપડા)માંથી થયો છે. આ ડાયરીઓમાં કરોડો રૂપિયાની લેવડદેવડના વિગતવાર હિસાબો લખાયેલા હોવાની સાથે અનેક પોલીસકર્મીઓના મોબાઈલ નંબર પણ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આથી દારૂના ગેરકાયદેસર ધંધામાં પોલીસની સંડોવણી હોવાની શંકા વધુ ઘેરી બની છે.

આ મામલો રાજ્યના પોલીસ વડા સુધી પહોંચતા ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસના પ્રાથમિક તારણોને આધારે તાજેતરમાં જ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાંથી સિનોર પોલીસ સ્ટેશનમાં બદલી થયેલા PI પૃથ્વીરાજસિંહ જાડેજાને હવે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે અને આવનારા દિવસોમાં વધુ અધિકારીઓ સામે પગલાં લેવાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.