International Yoga Day 2026: સંસ્કારી નગરી વડોદરામાં આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો. શહેરભરમાં યોગપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત મુખ્ય કાર્યક્રમ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સંપન્ન થયો હતો.
કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી રહ્યાં ઉપસ્થિત
આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને યોગપ્રેમીઓએ એકત્રિત થઈ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા. આ પ્રસંગે મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, "વધતી જતી ઉંમર સાથે સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટે યોગ એ અનિવાર્ય જીવનશૈલી છે. યોગ એ માત્ર કસરત નથી પરંતુ આંતરિક શાંતિ મેળવવાનો માર્ગ છે."

આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે કટિબદ્ધતા દર્શાવતા એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડોદરાના નાગરિકો વર્ષના 365 દિવસ યોગ કરી શકે તે હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં અલગ-અલગ યોગ સેન્ટર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી સમયમાં અમલી બનશે.

ગુજરાત પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓનું આકર્ષણનું કેન્દ્ર
યોગ દિવસની ઉજવણીમાં શહેરની શૈક્ષણિક સંસ્થાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. છાણી સ્થિત ગુજરાત પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્વાસ્થ્ય અને એકતાના સંદેશ સાથે અદભૂત પ્રદર્શન કર્યું હતું. શાળાના ધોરણ 4 અને 5 ના આશરે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ એકઠા થઈને ‘YOGA’ શબ્દની એક વિશાળ અને ભવ્ય માનવ આકૃતિ બનાવી હતી.

બાળકોએ રચનાત્મક પ્રદર્શનનો આપ્યો સંદેશ
આ રચનાત્મક પ્રદર્શન દ્વારા બાળકોએ સમાજને એકતા, શિસ્ત અને સુખાકારીનો સંદેશ આપ્યો હતો. શાળાના આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવતા કહ્યું હતું કે, આ પ્રકારના આયોજનથી બાળકોમાં નાનપણથી જ શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિ પ્રત્યે જાગૃતિ આવે છે.
સમગ્ર દિવસ દરમિયાન વડોદરા શહેર યોગમય બન્યું હતું, જ્યાં નાગરિકોએ ભવિષ્યમાં નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ લઈને એક સ્વસ્થ સમાજના નિર્માણનો સંદેશ આપ્યો હતો.
