વડોદરા પર જળસંકટના વાદળો! આજવા સરોવરની સપાટી 8 વર્ષના તળિયે, પાણી કાપની ભીતિ

વડોદરાના આજવા સરોવરનું જળસ્તર 2018 પછી સૌથી નીચું 205.68 ફૂટ પર પહોંચી ગયું છે, જે શહેર માટે પાણીની ચિંતાનો વિષય બન્યો છે. જો સારો વરસાદ નહીં થાય તો વડોદરામાં પીવાના પાણીના પુરવઠામાં કાપ મૂકવાની ફરજ પડી શકે છે, જેનાથી ગંભીર જળસંકટ સર્જાઈ શકે છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 21 Jun 2026 10:04 AM (IST)Updated: Sun, 21 Jun 2026 10:04 AM (IST)
vadodara-ajwa-lake-water-level-low-water-cuts-vmc

Vadodara News: ઐતિહાસિક આજવા સરોવરની જળસપાટીમાં થયેલો ઘટાડો વડોદરાવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. વર્ષ 2018 બાદ પ્રથમ વખત સરોવરનું જળસ્તર 205.68 ફૂટ સુધી પહોંચી ગયું છે, જેને પગલે વડોદરા મહાનગરપાલિકા (VMC) ના સત્તાધીશો અને પાણી પુરવઠા વિભાગમાં દોડધામ મચી ગઈ છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય, તો શહેરમાં પીવાના પાણીના પુરવઠામાં કાપ મૂકવાની ફરજ પડશે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

આજવા સરોવર પાણીનું સ્તર ઘટ્યું

આજવા સરોવર વડોદરા શહેરના પૂર્વ અને તેની આસપાસના વિસ્તારો માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. છેલ્લા આઠ વર્ષમાં પરિસ્થિતિ આટલી ગંભીર ક્યારેય જોવા મળી ન હતી. ટેકનિકલ દ્રષ્ટિએ સમજીએ તો, જ્યારે સરોવરની સપાટી 209 ફૂટ કે તેથી વધુ હોય છે, ત્યારે ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ પાણી કુદરતી રીતે શુદ્ધિકરણ પ્લાન્ટ સુધી પહોંચે છે. પરંતુ, 205.૬૮ ફૂટના વર્તમાન સ્તરે પાણી પહોંચાડવા માટે હવે પમ્પિંગ જેવી વૈકલ્પિક અને ખર્ચાળ વ્યવસ્થાઓનો આધાર લેવો પડી રહ્યો છે, જેનાથી તંત્ર પર કામગીરીનું દબાણ વધ્યું છે.

ગંભીર પાણીની કટોકટી સર્જાઈ શકે તેવી શક્યતા

કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ સમગ્ર વહીવટી તંત્ર મેઘરાજાની કૃપા પર નિર્ભર છે. ઉપરવાસમાં વરસાદ થાય અને આજવામાં નવા નીરની આવક શરૂ થાય તે અત્યંત અનિવાર્ય છે. જો વરસાદ ખેંચાશે અથવા કેચમેન્ટ વિસ્તારમાં પૂરતો વરસાદ નહીં નોંધાય, તો વડોદરાવાસીઓએ ગંભીર પાણીની કટોકટીનો સામનો કરવો પડી શકે છે.

ગંભીર સ્થિતિ પર VMCની નજર

આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, VMC નું તંત્ર પરિસ્થિતિ પર સતત ઝીણવટભરી નજર રાખી રહ્યું છે. આગામી સમયમાં જો જળાશયમાં પાણીનો સંગ્રહ નહીં વધે, તો તંત્ર દ્વારા કયા વિસ્તારોમાં કેટલો પાણી કાપ મૂકવો અને જળ વ્યવસ્થાપન કેવી રીતે કરવું, તે અંગેના આકરા નિર્ણયો લેવામાં આવી શકે છે. હાલ તો સમગ્ર શહેરની જનતા અને કોર્પોરેશનની મીટ મેઘરાજાના આગમન પર મંડાયેલી છે.