Loading...

દાદા અને પિતા બાદ દીકરીઓના હાથમાં પતંગની ડોર: સુરતના એક જ પરિવારની 8 બહેનો ચલાવે છે 75 વર્ષ જૂનો પતંગનો વ્યવસાય

35 વર્ષથી પતંગ વ્યવસાય સાથે જોડાયેલા રમજુબેન પતંગવાલા તેમના દાદા અને પિતા બાદ હવે અન્ય 7 બહેનો સાથે મળીને પતંગ વ્યવસાયની ડોર સંભાળી રહી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 09 Jan 2026 03:00 PM (IST)Updated: Fri 09 Jan 2026 03:00 PM (IST)
surat-news-after-grandfather-and-father-8-sisters-run-75-year-old-kite-business-670935

Surat News: ઉત્તરાયણ પર્વના દિવસો અગાઉ જ રાંદેરના પ્રખ્યાત પતંગ માર્કેટમાં સુરતીઓની ભીડ ઉમટી પડે છે. જેનું કારણ છે ત્યાં વસતા વર્ષો જૂના પતંગના વ્યાપારીઓ, જેઓ પરંપરાગત રીતે પેઢીઓથી પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

35 વર્ષથી પતંગ વ્યવસાય સાથે જોડાયેલા રમજુબેન પતંગવાલા તેમના દાદા અને પિતા બાદ હવે અન્ય 7 બહેનો સાથે મળીને પતંગ વ્યવસાયની ડોર સંભાળી રહી છે. આ એક જ પરિવારની 8 બહેનોની ત્રીજી પેઢી 75 વર્ષ જુનો પતંગ વ્યવસાય આગળ ધપાવી રહી છે.

આ વિષે વધુ જણાવતાં રમજુબેન કહે છે કે, અમે બધી બહેનો સાથે મળીને વારસાગત વ્યવસાયમાં આગળ વધ્યા છીએ. નાનપણથી જ ઘરમાં પિતાને આ કામ કરતા જોયા હતા એટલે પતંગનાં વ્યવસાય સાથે અમારી લાગણીઓ જોડાયેલી છે. અમે થોડા મહિના પતંગ બનાવવાની મજૂરી કામ કર્યા બાદ જુન-જુલાઈથી અમારા પોતાના પતંગ બનાવવાનું શરુ કરી દઈએ છીએ. અને શરૂઆતમાં રોજના 6-8 કલાક અને ઉત્તરાયણ નજીક આવતા રોજનાં 10-12 કલાક કામ કરીએ છીએ.

તેઓ કહે છે કે, સાવ સામાન્ય દેખાતા પતંગ પાછળ ઘણાં લોકોની કુશળતા અને સખત મહેનત હોય છે. આ પતંગો ખાસ કોલકાતાથી આવતા સુરતી રંગીન કાગળ અને સુપર વ્હાઇટ કાગળમાંથી બને છે. પતંગ બનાવવાની પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું કે, સૌ પ્રથમ કાગળની શીટ ગોઠવી તેને નિયત ફર્મામાં કટિંગ કરવામાં આવે છે. ત્યાર બાદ પતંગની સાઇડની કિનાર માટે તેને ભરૂચ મોકલવામાં આવે છે. ત્યાંથી આવ્યા બાદ પતંગની વચ્ચેની લાકડી જેને થડો કહેવામાં આવે છે તે ચઢાવવામાં આવે છે. પછી પતંગની કમાન અને ત્યારબાદ પતંગને બેલેન્સ કરતો ત્રિકોણ પટ્ટો લગાડવામાં આવે છે.

આ દરેક કામ અલગ અલગ લોકો પોતાની કુશળતાથી કરે છે. એક પતંગ બનાવવા અંદાજિત 20 મિનીટ અને 8-10 લોકો જોઈએ છે. અમે બહેનોએ આ વર્ષે અંદાજિત 60 થી 70 હજાર પતંગ બનાવી છે, જેમાં મુખ્યત્વે 27 અને 37 સે.મીના સાડી સત્તાવીસ ચીલ, ચોત્રીસ પોણીયા, સાડત્રીસ અડદિયા, રોકેટ અને પ્રિન્ટવાળી સહિતની પતંગની અન્ય વેરાઈટી વધુ લોકપ્રિય છે.