Loading...

Vadodara: પાદરા SBIના પૂર્વ મેનેજર સામે સાતમી ફરિયાદ નોંધાઈ, ઑડિટમાં રૂ. 10 લાખની લોન કૌભાંડનો પર્દાફાશ

બેંકના તત્કાલિક બ્રાન્ચ મેનેજર સુનિલકુમાર સિન્હાએ પશ્ચિમ બંગાળના ભરતભાઈ સાથે સાંઠગાંઠ કરીને ડોક્યુમેન્ટ્સની ખારાઈ કર્યાં વિના લોન મંજૂર કરી દીધી હતી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 05 Feb 2026 06:25 PM (IST)Updated: Thu 05 Feb 2026 06:25 PM (IST)
sbi-padra-loan-scam-another-fir-filed-against-ex-branch-manager-sunilkumar-sinha-686375
HIGHLIGHTS
  • 2022માં સુનિલકુમાર સિન્હા બ્રાન્ચ મેનેજર હતા ત્યારે એક પછી એક કૌભાંડ આચર્યાં

Vadodara: પાદરા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં થયેલી ઉચાપતની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. વર્ષ 2022ના સમયગાળામાં બ્રાન્ચમાં ફરજ બજાવતા તત્કાલીન મેનેજર સુનિલકુમાર સિંહા સામે વધુ એક, એટલે કે સાતમી ફરિયાદ નોંધાતાં બેંકિંગ વ્યવસ્થામાં ચકચાર મચી ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ન્યુ VIP રોડ પર રહેતા અને હાલ પાદરા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા દિલીપકુમાર બામણીયાએ પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ અનુસાર, વર્ષ 2022ના જુલાઈ માસની 13મી તારીખે અને તે સમયગાળા દરમિયાન સમા-સાવલી રોડ પર આવેલા વેમાલી ગામના સહજ સાનિધ્ય શુકન વિસ્તારમાં રહેતા ભરત રમેશચંદ્ર સુથારે, જે ઈશાની ફર્નિચરના પ્રોપ્રાઈટર છે, તેમણે પાદરા SBIમાંથી રૂપિયા દસ લાખની મોર્ગેજ લોન માટે અરજી કરી હતી.

તે સમયના બ્રાન્ચ મેનેજર સુનિલકુમાર સિંહાએ પશ્ચિમ બંગાળના ભરતભાઈ સાથે મેળાપીપણું રાખીને લોન અરજીના ડોક્યુમેન્ટ્સની ખરાઈ કર્યા વિના જ લોન મંજૂર કરી હતી. જે બાદમાં ઓડિટ દરમિયાન આ સમગ્ર મામલો બહાર આવતા બેંક તંત્રમાં ખળભળાટ સર્જાયો હતો.

ઓડિટ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે, લોન પાસ કરતી વખતે જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી નહોતી, જેના કારણે બેંકને નાણાકીય નુકસાન થવાની શક્યતા ઉભી થઈ હતી.

બ્રાન્ચ મેનેજર દિલીપકુમાર બામણીયાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, સુનિલકુમાર સિંહા સામે અગાઉ પણ છ વખત આવી જ પ્રકારની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સતત ફરિયાદો છતાં આવી ગંભીર બેદરકારી સામે સમયસર કડક કાર્યવાહી ન થતાં પાદરા SBIને જાણે ઉચાપતનું એપી સેન્ટર બનાવવામાં આવ્યું હોય તેવો પ્રશ્ન ઊભો થયો છે.

હાલ પાદરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં લોન પ્રક્રિયા, ડોક્યુમેન્ટ્સ, તેમજ સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. સતત સામે આવી રહેલી ઉચાપતની ફરિયાદો બાદ હવે બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ આ મામલે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.