Surendranagar New Mayor Update: ગત મહિને આવેલા ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં રાજ્યની તમામ મહાનગર પાલિકાઓમાં ભાજપનો પ્રચંડ વિજય થયો હતો. જે બાદ ભાજપ દ્વારા આ સપ્તાહની શરૂઆતથી તબક્કાવાર એક પછી એક મનપાના મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડની નિમણૂંક કરવામાં આવી છે.
આજે સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશનર જે.કે.જાદવના અધ્યક્ષ સ્થાને આજે શહેરના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે મનપાની પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં તમામ સભ્યોની સર્વસંમતિથી પ્રથમ મેયર તરીકે રાકેશભાઈ રાઠોડ અને પ્રથમ મહિલા ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ બિનહરીફ ચૂંટાયા હતા.
આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખીલભાઈ ચાંપાનેરીના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય દંડક તરીકે સ્વાતિબેન માંડલિયા, મનપામાં પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાણીયાના નામ જાહેર કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરને પાલિકામાંથી મહાનગર પાલિકા જાહેર થયા બાદ પ્રથમ મનપાની ચૂંટણીમાં 52 સભ્યો પૈકી 51ની જીત સાથે ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. મેયર પદ એસ.સી. સામાન્ય જ્ઞાતિના ઉમેદવાર માટે અનામત હોવાથી રાકેશભાઈ રાઠોડ, રાજેન્દ્રભાઈ રાઠોડ અને ગજેન્દ્રભાઈ રાઠોડ એમ 3 ઉમેદવારોના નામ ચર્ચામાં હતા.
જો કે પ્રદેશના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સાથે વર્ષો સુધી કામ કરી ચૂકેલા અને તેમના ખાસ મિત્ર એવા સ્વ. મૃગેશ રાઠોડના ભાઈ રાકેશ રાઠોડ પર આખરે પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.
