Loading...

રાજકોટ અમદાવાદ હાઇવે પર ટ્રિપલ અકસ્માતઃ ચોટીલા નજીક ટ્રક સાથે કાર અથડાતા બેના મોત, ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

વોટરપાર્ક નજીક એક ટ્રક ઉભો હતો. જેની પાછળ પીકઅપ વાન ધડાકાભેર અથડાઇ હતી. તેમજ એ જ સમયે ત્યાંથી પસાર થઇ રહેલી અમદાવાદ પાસિંગની સ્વિફ્ટ કાર પણ ટ્રક સાથે અથડાઇ હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 20 Mar 2026 04:16 PM (IST)Updated: Fri 20 Mar 2026 04:16 PM (IST)
surendranagar-news-triple-accident-on-rajkot-ahmedabad-highway-near-chotila-two-dea-712008

Surendranagar News: ચોટીલા પાસે રાજકોટ-અમદાવાદ હાઇવે પર ટ્રિપલ અકસ્માતનો બનાવ બન્યો છે. કાર, ટ્રક અને પીકઅપ વાન વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર ચોટીલાથી સાત કિ.મી. દૂર આવેલા જોલી એન્જોય વોટરપાર્ક નજીક એક ટ્રક ઉભો હતો. જેની પાછળ પીકઅપ વાન ધડાકાભેર અથડાઇ હતી. તેમજ એ જ સમયે ત્યાંથી પસાર થઇ રહેલી અમદાવાદ પાસિંગની સ્વિફ્ટ કાર પણ ટ્રક સાથે અથડાઇ હતી. અકસ્માત થયો હોવાની જાણ થતાં આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

ટ્રિપલ અકસ્માતની આ ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. બનાવી જાણ થતાં ઘટના સ્થળે પહોચેલી પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા. મૃતકોમાં સોનાલીબેન હર્ષદભાઇ ઠાકોર અને આશિષ રણજીતભાઇ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કલ્પેશભાઇ ભાનુભાઇ ઠાકોર, હર્ષદભાઇ ઠાકોર અને દિવ્યાંશ હર્ષદભાઇ ઠાકોરને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.

પ્રાથમિક વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલો પરિવાર અમદાવાદના સૈજપુર વિસ્તારનો રહેવાસી છે અને ચૈત્રી નવરાત્રી નિમિત્તે ચોટીલા માતાજીના દર્શનાર્થે જઇ રહ્યો હતો. અકસ્માત બાદ પોલીસે ટ્રાફિક હળવો કરી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો. બનાવ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.