Surendranagar News: રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જની ટીમે એક મોટી સફળતા મેળવી છે. આર્થિક લાભ મેળવવાના હેતુથી પોલીસ અધિકારી હોવાની ખોટી ઓળખ ઊભી કરી લોકો સાથે છેતરપિંડી કરતા એક ઇસમને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી સોહિલખાન બિસ્મીલખાન પઠાણ (ઉ.વ. ૩૧, રહે. સાયલા, લાલજી મહારાજની જગ્યા પાસે, નવાગઢ, જિ. સુરેન્દ્રનગર) ઇલેક્ટ્રિક ઉપકરણોની મદદથી પોલીસ યુનિફોર્મ વાળા પોતાના નકલી ફોટા અને નકલી આઇકાર્ડ જેવા બનાવટી દસ્તાવેજો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કરતો હતો. આ આરોપી પોતાની ઓળખ દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ તેમજ એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડના ડીવાયએસપી તરીકે આપતો હતો.
સાયબર ક્રાઈમ દ્વારા આચરતો હતો છેતરપિંડી
આરોપી સોહિલખાન પઠાણ પોતાની આ નકલી ઓળખનો રોફ જમાવીને સાયબર ક્રાઈમ જેવા ગુનાઓ આચરીને સામાન્ય નાગરિકોને ડરાવી તેમની સાથે આર્થિક છેતરપિંડી કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. હાલ આ નકલી ડીવાયએસપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હવે આ શખ્સે કેટલા લોકો સાથે આવી રીતે છેતરપિંડી કરી છે તે અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
