Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ખાદ્યતેલમાં સતત ભાવ વધારો થતા લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે. હાલની સ્થિતિ જોઈએ તો, એક મહિનામાં કપાસીયનો ભાવ 230 અને સીંગતેલ રુ 30નો વધારો થતા મધ્યમ વર્ગ માટે ચિંતાનો વિષય બન્યો છે. જિલ્લામાં અંદાજિત 25000થી વધારે ડબા વેચાતા હતા. જેમાં ભાવ વધારો ઝીંકાતા મહિને લોકોના માથે 65 લાખનું ભારણ વધી જાય તેવી શક્યતા છે.
તેલના ભાવમાં વધારો
સુરેન્દ્રનગરના લોકો ભોજનમાં મુખ્યત્વે કપાસીયા અને સીંગતેલનો વપરાશ વધુ કરે છે.ત્યારે છેલ્લા 4 મહિનામાં તેલના ભાવમાં વધારો થતા સતત વધતા તેલના ભાવોને લીધે મધ્યમવર્ગ પરેશાન છે. ગત ચોમાસામાં પાછોતરા વરસાદના લીધે પાક બગડી ગયો હતો. જેનાથી માલની આવક ઓછી થઈ હતી. જેથી ભાવમાં તેલના ડબ્બે જાન્યુઆરીમાં રુ 30નો વધારો કરાયો હતો. ત્યાં હવે સીંગતેલના રુ 30 અને કપાસીયામાં 230નો વધારો કરાયો છે. જેથી સિગતેલનો ભાવ ડબ્બે 2730 અને કપાસીયા 2610 થયો છે.
5 મહિનામાં 5 વખત ભાવ વધારો નોંધાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં દરરોજ અંદાજિત 25000 સીંગતેલના ડબ્બાનું વેચાણ થાય છે. જેના લીધે લોકોને મહિને 65 લાખનો આર્થિક માર પડી શકે છે. 5 મહિનામાં 5 વાર તેલના ભાવમાં વધારો થયો છે. સપ્ટેબરમાં રુ.30નો ભાવ વધારો, ઓક્ટોબરમાં રુ.40 વધ્યા હતા.ડિસેમ્બરમાં ભાવ ફરી વધીને રુ 40 થયા છે. જાન્યુઆરીમાં રુ 30, માર્ચમાં 230 તેવી રીતે પાંચ મહિનામાં પાંચ વાર વધારા સાથે રુ 400નો ભાવ વધ્યો છે.
