Chotila Hit And Run: છોટા ઉદેપુરના પાટલીયા ગામે રહેતા યુવકનું ચોટીલામાં અજાણી કારની ઠોકરે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. યુવકના મોતના પગલે એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, છોટા ઉદેપુરના પાટલીયા ગામે રહેતો કલ્પેશ ભીમસિંગભાઈ રાઠવા (27) ગત તા.24નાં રોજ સવારના અગિયારેક વાગ્યાના અરસામાં ચોટીલા પાસે ચાલીને જતો હતો. આ સમયે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક કલ્પેશ રાઠવા બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે. કલ્પેશ રાઠવા ચોટીલા ચામુંડા માતાજીના દર્શને આવ્યો હતો. તે દરમિયાન રસ્તો ઓળંગતી વખતે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
