Surendranagar Illegal Mineral Theft: સુરેન્દ્રનગર જિલ્લામાં અવાર-નવાર સામે આવતી ખનીજ ચોરીની ઘટનાઓ અને પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઈને રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે આકરા પાણીએ આવીને મોટી કાર્યવાહી કરી છે. લાંબા સમયથી વિવાદમાં રહેલા સુરેન્દ્રનગર પોલીસ તંત્ર પર આ કાર્યવાહીને પગલે સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અને ગુનાખોરીના વધતા પ્રમાણ તેમજ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા હતા. અવાર-નવાર પોલીસ બેડાના અધિકારીઓ અને કર્મચારીઓ વિવાદમાં આવતા હોવાની ફરિયાદો બાદ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે ગંભીર નોંધ લીધી હતી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા અને ભ્રષ્ટ તત્વો પર લગામ કસવા માટે રેન્જ આઈજીએ સપાટો બોલાવ્યો છે.
રેન્જ આઈજી દ્વારા કરવામાં આવેલી આ આકરી કાર્યવાહીમાં બે અલગ-અલગ સ્તરે પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા એલસીબીના પીઆઈ જે. જે. જાડેજા અને પીએસઆઈ પઠાણ સહિત કુલ 4 કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી અને પીએસઆઈ ગરચર સહિત 4 કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની આ અચાનક અને કડક કાર્યવાહીને પગલે જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. એક તરફ અધિકારીઓની આ કામગીરીને સકારાત્મક ગણાવવામાં આવી રહી છે, તો બીજી તરફ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓમાં આ આકરી કાર્યવાહીને લઈને ભારે રોષ અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.
