Loading...

ગુજરાતના રાજકારણમાં કોળી-ઠાકોર સમાજની ગર્જના: લીમડીના ઉટડીમાં યોજાયું મહાસંમેલન; 'આગામી મુખ્યમંત્રી કોળી સમાજના હોવા જોઈએ' તેવી ઉઠી પ્રબળ માંગ

લીમડીના ઉટડી ગામનું આ સંમેલન આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં મોટા ઉથલપાથલના સંકેત આપી રહ્યું છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 17 Mar 2026 12:53 PM (IST)Updated: Tue 17 Mar 2026 12:53 PM (IST)
koli-thakor-community-demands-cm-post-at-grand-meet-in-limdi-gujarat-709808

Koli-Thakor Community Convention: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોળી સમાજ પોતાની ઉપેક્ષા અને રાજકીય અન્યાયને લઈને આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે. બગદાણા ખાતે નવનીત બાલધિયાના કેસ બાદ ઉભો થયેલો જનરેલો હવે રાજકીય આંદોલનમાં પરિવર્તિત થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના લીમડી તાલુકાના ઉટડી ગામે સમસ્ત કોળી-ઠાકોર સમાજનું એક વિરાટ સંમેલન યોજાયું હતું, જેમાં સમાજની એકતા, શિક્ષણ અને ખાસ કરીને આગામી સમયમાં કોળી મુખ્યમંત્રીની માંગણીએ જોર પકડ્યું છે.

સંખ્યાબળ અને વોટિંગ પાવરની તાકાત

મહાસંમેલનમાં ઉપસ્થિત સંતો અને સમાજના અગ્રણીઓએ આંકડાકીય વિગતો સાથે સમાજની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. ઋષિભારતી બાપુએ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોળી-ઠાકોર સમાજની વસ્તી અઢી કરોડથી વધુ છે. તેમજ રાજ્યમાં દોઢ કરોડ જેટલો જંગી વોટિંગ પાવર આ સમાજ ધરાવે છે. ગુજરાતમાં લગભગ 40 થી 47 ટકા મતો કોળી સમાજના છે અને 80 લાખ ઘરો આ સમાજ સાથે જોડાયેલા છે. બાપુએ વધુમાં ઉમેર્યું કે, "આટલો વિશાળ સમાજ હોવા છતાં આપણે નિર્ણાયક શક્તિમાં કેમ નથી? આપણે માત્ર ભીડ (ટોળું) બનીને રહી ગયા છીએ. હવે સમય પાકી ગયો છે કે સમાજ નિર્ણાયક બોડીમાં એન્ટ્રી કરે."

મુખ્યમંત્રી પદની માંગ અને રાજકીય અન્યાય

સંમેલનમાં સૌથી મોટો મુદ્દો આગામી મુખ્યમંત્રીનો રહ્યો હતો. સમાજના અગ્રણીઓએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, માધવસિંહ સોલંકી બાદ કોળી-ઠાકોર સમાજમાંથી કોઈ મુખ્યમંત્રી બન્યું નથી. ઓબીસી સમાજમાં સૌથી મોટો હિસ્સો હોવા છતાં રાજકીય પક્ષો દ્વારા સમાજને અન્યાય કરવામાં આવે છે. ખાસ કરીને લીમડી વિધાનસભાની ચર્ચા કરતા જણાવાયું હતું કે, અહીં કુલ 2.79 લાખ મતદારોમાંથી 1.40 લાખ જેટલા મતદારો માત્ર કોળી-ઠાકોર સમાજના છે. જો સમાજ એક થઈને લડે, તો આ બેઠક પર કોઈ અન્ય શક્તિ જીતી શકે તેમ નથી. વર્ષ 2022માં જે રીતે સમાજને વિભાજિત કરવામાં આવ્યો હતો, તે 2027માં ન બને તે માટે અત્યારથી જ રણનીતિ ઘડવામાં આવી રહી છે.

શિક્ષણ અને સામાજિક સુધારા પર ભાર

સંમેલનમાં માત્ર રાજકારણ જ નહીં, પણ સામાજિક બદીઓ દૂર કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને યુવાધન સક્ષમ બને તે માટે આહવાન કરાયું. તેમજ અંધશ્રદ્ધા અને ખોટા ખર્ચાળ રિવાજો દૂર કરવા સંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારબાદ ઋષિભારતી બાપુએ જણાવ્યું કે 20 ટકા સમાજ એવો છે જે માત્ર સ્વમાન ખાતર જીવે છે, તેમને સંગઠિત કરવા જરૂરી છે.

વિદેશમાં વસતા કોળી સમાજનું સમર્થન

આશ્ચર્યજનક બાબત એ છે કે આ સંગઠન હવે માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત નથી રહ્યું. લંડનમાં વસતા 7,000 જેટલા કોળી પરિવારો પણ આ આંદોલનમાં જોડાયા છે અને અન્ય દેશોમાં પણ સંકલન ચાલુ છે.

લીમડીના ઉટડી ગામનું આ સંમેલન આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં મોટા ઉથલપાથલના સંકેત આપી રહ્યું છે. જ્યારે આટલો મોટો વોટબેંક એકત્ર થઈને સત્તામાં હિસ્સેદારી માંગતો હોય, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે આ ગંભીર ચિંતાનો વિષય બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે ૨૦૨૭માં કોળી સમાજ પોતાની આ 'નિર્ણાયક શક્તિ'નો ઉપયોગ કઈ રીતે કરે છે.