iKhedut Farmer Yojana: બગાયત ખાતાની સહાય યોજનાઓનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ પર ઑનલાઈન અરજી શરૂ

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો 19 જૂન સુધી આઈ-ખેડૂત પર ઑનલાઈન અરજી કરી શકશે. નવીન પોર્ટલ 2.0 પર આધાર ઓથેન્ટીકેશન ફરજિયાત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 31 May 2026 08:07 PM (IST)Updated: Sun, 31 May 2026 08:07 PM (IST)
ikhedut-farmer-yojana-online-applications-started-to-avail-assistance-schemes-of-horticulture-department
HIGHLIGHTS
  • અરજી કરતી વખતે માંગ્યા મુજબના જરૂરી તમામ કાગળો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે

iKhedut Farmer Yojana: ગુજરાત સરકારના બાગાયત ખાતા દ્વારા બાગાયતી ખેડૂતોના કલ્યાણ માટે વર્ષ 2026-27 અંતર્ગત વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો મહત્તમ લાભ મેળવી શકાય તે માટે આઈ-ખેડૂત (I-Khedut) પોર્ટલ આગામી 19 જૂન સુધી ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોને આ સમયગાળા દરમિયાન અરજી કરવા જણાવાયું છે.

ચાલુ વર્ષે સરકાર દ્વારા ખાસ કરીને બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોના વાવેતરને પ્રોત્સાહન આપવા, ફિલ્ડ કવર થકી ફળપાકોનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા તેમજ આદું અને હળદર જેવા મસાલા પાકોના વાવેતરમાં પ્રોત્સાહન પૂરું પાડવા માટેની વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે. આ તમામ યોજનાઓ માટે હાલ પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

આ યોજનાઓ અંતર્ગત નવીન આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર અગાઉ નોંધણી થયેલ હોય અથવા નવી નોંધણી કરાવનાર તમામ ખેડૂતોએ પોતાનું આધાર ઓથેન્ટીકેશન ફરજિયાતપણે કરવાનું રહેશે.

અરજી કરતી વખતે માંગ્યા મુજબના જરૂરી તમામ કાગળો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જે બાદ અરજી કન્ફર્મ કરીને તેની પ્રિન્ટ મેળવી, તેના પર સહી કરીને તે નકલ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જ્યારે અરજીને વહીવટી મંજુરી મળે, ત્યારે ક્લેમ સબમિટ કરતી વખતે આ દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરી બાગાયત કચેરીએ પહોંચતા કરવાના રહેશે.

આ યોજનાઓ અંગે વધુ માહિતી, માર્ગદર્શન કે મૂંઝવણના ઉકેલ માટે ખેડૂતો રૂબરૂમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, 208, બ્લોક-સી, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર નો સંપર્ક કરી શકે છે.

આ ઉપરાંત ટેલીફોન નંબર 02752-282763 ઉપર પણ સંપર્ક સાધી શકાશે. સુરેન્દ્રનગર જિલ્લાના વધુમાં વધુ ખેડૂત મિત્રો સમયસર ઓનલાઈન અરજી કરી આ યોજનાઓનો લાભ લે તેવો અનુરોધ નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા કરવામાં આવ્યો છે.