Loading...

108 દિવસના જેલવાસ બાદ બહાર આવ્યા પ્રવીણ રામ, પોતાની વાત કરતા-કરતા રડી પડ્યા

પ્રવીણ રામે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતોના અવાજને દબાવવા અને યુવાનોના મનોબળને તોડી પાડવા માટે 108 દિવસ સુધી તેમને જેલમાં રાખ્યા હતા.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 02 Feb 2026 11:53 AM (IST)Updated: Mon 02 Feb 2026 11:53 AM (IST)
gujarat-aap-leader-pravin-ram-released-after-108-days-in-jail-emotional-talk-684246

AAP Leader Pravin Ram: ખેડૂતોના પડતર પ્રશ્નો અને આંદોલનને લઈને જેલ ગયેલા આમ આદમી પાર્ટીના નેતા અને યુવા અગ્રણી પ્રવીણ રામન 108 દિવસ બાદ જેલ બહાર આવ્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રવીણ રામે પત્રકારો સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. આ વાત કરતા કરતા રડી તે પડ્યા હતા. તેણે ઉમેર્યું હતું કે જેલવાસથી હું ડરવાનો નથી ખેડૂતો માટેની લડાઈ ચાલું રહેશે.

જેલવાસ દરમિયાન મનોબળ મજબૂત કર્યું

પ્રવીણ રામે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતોના અવાજને દબાવવા અને યુવાનોના મનોબળને તોડી પાડવા માટે 108 દિવસ સુધી તેમને જેલમાં રાખ્યા હતા. પરંતુ જેલવાસ દરમિયાન તેમણે વાંચન, કસરત અને મનન દ્વારા પોતાની જાતને વધુ મક્કમ બનાવી છે.

બોટાદના હડદળ ખાતે થયેલી હિંસા અને ધરપકડ અંગે ગંભીર આક્ષેપો કરતા તેમણે જણાવ્યું કે, આ આખું એક સુનિયોજિત ષડયંત્ર હતું. પોલીસ પાસે એવો કોઈ વીડિયો નથી જેમાં એફઆઈઆર (FIR) માં નોંધાયેલા 100 જેટલા લોકો પથ્થરમારો કરતા હોય. જે લોકો વીડિયોમાં પથ્થર ફેંકતા દેખાય છે તેમના નામ ફરિયાદમાં નથી અને જેઓ નિર્દોષ છે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે પોલીસે ઘરમાં ઘૂસીને દમન ગુજાર્યું છે, જેના કારણે અનેક ખેડૂતોને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી છે.

જેલવાસ દરમિયાનની પીડા વર્ણવતા પ્રવીણ રામ ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, ખેડૂતોની લડાઈને કારણે તેઓ પોતાના પરિવાર અને ખેડૂત પરિવારથી દૂર રહ્યા. સૌથી વધુ દુઃખ એ વાતનું છે કે તેઓ તેમના પુત્રના પ્રથમ જન્મદિવસે પણ તેની સાથે રહી શક્યા નહોતા. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની આંખમાં રહેલા આંસુ નબળાઈના નહીં પણ આગામી દિવસોમાં મજબૂત લડાઈ લડવાના સંકેત છે.

જેલમાં ખેડૂતો સાથે થયેલા વ્યવહાર અંગે ખુલાસો કરતા તેમણે કહ્યું કે, ધરપકડ કરાયેલા ખેડૂતોને 2 દિવસ સુધી જમવાનું પણ આપવામાં આવ્યું નહોતું અને તેમને બ્રશ કે ચપ્પલ જેવી પાયાની સગવડોથી વંચિત રાખવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો કે એક પોલીસ અધિકારીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે "તમારા કરતા તો દારૂ વેચવાવાળા (બુટલેગરો) સારા છે".

આગામી સમયની રણનીતિ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, તેઓ હવે સીધા ઘેડ વિસ્તારના પ્રશ્નો માટે લડત ચાલુ રાખશે અને મઢડા માતાજીના આશીર્વાદ લઈને નવી શરૂઆત કરશે. કડદા મુદ્દે થયેલા સરકારી પરિપત્રને તેમણે આમ આદમી પાર્ટીની મોટી જીત ગણાવી હતી. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી અંગે તેમણે કહ્યું કે જો પાર્ટી આદેશ આપશે અને ખેડૂતોની ઈચ્છા હશે, તો તેઓ વિધાનસભામાં જઈને પણ આ દમન સામે લડવા તૈયાર છે.