Raju Karpada Latest News: સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂત અગ્રણી રાજુ કરપડાએ જેલમુક્ત થયા બાદ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, તેઓ આવનારા સમયમાં ખેડૂતો માટે વધુ મજબૂતીથી અવાજ ઉઠાવશે. 108 દિવસથી વધુ સમય જેલમાં વિતાવ્યા બાદ તેઓ ફરીથી લોકસેવા માટે સક્રિય થયા છે . આ પ્રસંગે તેમની સાથે ધારાસભ્ય ગોપાલભાઈ, અમૃતભાઈ મકવાણા અને મોટી સંખ્યામાં ખેડૂત પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. રાજુ કપરાડાએ કહ્યું હતું કે ખેડૂતોની લડાઈ આગળ ચાલું રહેશે. પછી તે પાક નુકસાનની વાત હોય, અતિવૃષ્ટી કે અનાવૃષ્ટીમાં વળતરની વાત હોય, હાઈટેન્શનલ લાઈનનો પ્રશ્ન હોય, જમની સંપાદનનો પ્રશ્ન હોય, સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય તેમા અમે લડતા રહીશું.
ખેડૂતોના શોષણ સામેની લડાઈ અટકશે નહીં
રાજુ કરપડાએ જણાવ્યું કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા ખેડૂતોનું જે શોષણ કરવામાં આવતું હતું, તેના વિરોધમાં રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોએ લેખિત બાહેધરી માંગી હતી કે ફરીથી તેમની સાથે છેતરપિંડી ન થાય, પરંતુ એપીએમસીના સત્તાધીશો દ્વારા માત્ર મૌખિક વાતો કરીને તેમને ગુમરાહ કરવાના પ્રયત્નો થયા હતા. હળદળ ગામે જ્યારે ખેડૂતો શાંતિથી કાર્યક્રમ કરી રહ્યા હતા, ત્યારે કેટલાક તત્વો દ્વારા આંદોલનને બગાડવાનો અને તેમની હિંમત તોડવાનો પ્રયત્ન થયો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે છેલ્લા 8 વર્ષથી ખેડૂતો માટે ચાલી રહેલી આ લડાઈ જેલવાસ બાદ પણ અટકશે નહીં.
જેલવાસ દરમિયાન તૈયાર કર્યો ભવિષ્યનો 'રોડમેપ'
પોતાના જેલવાસ અંગે વાત કરતા તેમણે કહ્યું કે પોણા 4 મહિના જેટલો આ સમય ખેડૂતોની સુખાકારી માટે કયા નવા પગલાં લઈ શકાય અને શું રોડમેપ બનાવી શકાય તે વિચારવામાં વિતાવ્યો છે . હાઈ ટેન્શન લાઈનનો પ્રશ્ન હોય, જમીન સંપાદન, સિંચાઈના પાણીની વાત હોય કે પછી એનર્જી કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીન પચાવી પાડવાના પ્રયત્નો હોય, તેઓ હંમેશા ખેડૂતોની સાથે ખંભેખંભો મિલાવીને ઉભા રહેશે . તેમણે વધુમાં ઉમેર્યું કે ખેડૂત તેમનો પરિવાર છે અને પરિવારને બચાવવા લડવું એ તેમનું કર્મ છે.
આ પ્રસંગે ઉપસ્થિત ગોપાલભાઈએ જણાવ્યું હતું કે રાજુભાઈ એક એવા લડાયક યોદ્ધા છે જે બીજાના હક અને ન્યાય માટે જેલમાં ગયા છે . તેમણે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોની જમીન પચાવી પાડવા, જમીન માપણીમાં અન્યાય, ટેકાના ભાવે ખરીદીમાં થતી કટકી અને ટાઉન પ્લાનિંગના નામે થતા અન્યાય સામે અવાજ ઉઠાવનારા નેતાઓથી સત્તાપક્ષમાં ફફડાટ છે. તેમણે એમ પણ જણાવ્યું કે રાજુભાઈ પર ખોટી એફઆઈઆર (FIR) કરીને તેમને યાતના આપવાનું કામ કરવામાં આવ્યું છે, પરંતુ હવે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં આ લડાઈ વધુ બમણી તાકાતથી લડવામાં આવશે .
