Tapi News: આજે નિઝર વિધાનસભાના ઉચ્છલ તાલુકાના પાટીબંધારા ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાનું આયોજન થયું હતું. આ પરિવર્તન સભામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી અને ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, નિઝર વિસ્તારમાં હવે રાજકીય પરિવર્તન નિશ્ચિત છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જનતા AAPને સંપૂર્ણ સમર્થન આપશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં AAP એકલા હાથે મેદાને ઉતરશે અને જનતા પોતે જ AAP વતી ચૂંટણી લડીને પાર્ટીને સત્તામાં લાવશે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ આ કાર્યક્રમ બાદ જણાવ્યું હતું કે, આજે નિઝર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના આગેવાનોની અધ્યક્ષતામાં પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા પાટીબંધારાની આસપાસના વિસ્તારના વડીલો, યુવાનો અને માતા બહેનો, સહકારી આગેવાનો, નિવૃત કર્મચારીઓ સહિત અનેક લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં વર્ષો જુના પ્રશ્નો હજુ એ જ પડતર હાલતમાં છે. ચાહે ઉકાઈ વિસ્થાપિતોના પ્રશ્નો હોય કે ચાહે આવનારા સમયમાં જે 1500 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ આવવાનો છે, એ બાબતને લઈને પ્રશ્નો હોય કે ચાહે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગતના પેન્ડિંગ દાવાઓની વાત હોય કે આ વિસ્તારના રોડ રસ્તાની વાત હોય, પીવાના પાણીની વાત હોય, સિંચાઈના પાણીની વાત હોય કે શિક્ષણ અને આરોગ્યની વાત હોય, આવા અનેક મોટા મોટા પ્રશ્નો વર્ષોથી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ હવે મન બનાવી લીધું છે કે આવનારા દિવસોમાં પરિવર્તન આવશે અને એના કારણે જ લોકો પરિવર્તન ઈચ્છીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આજે આમ આદમી પાર્ટીમાં જોડાનાર તમારો લોકોને અમે આવકારીએ છીએ. આ તમામ લોકો સાથે મળીને આવનારા સમયમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણી આવવાની છે તેમાં આમ આદમી પાર્ટી એકજૂટ થઈને સ્વતંત્ર રીતે એકલા હાથે ચૂંટણી લડશે.

વધુમાં ઉમેર્યું હતું કે, અમને પૂરો વિશ્વાસ છે કે કુકરમુંડા અને નિઝર સહિત તમામ વિસ્તારના લોકો આમ આદમી પાર્ટી સાથે રહેશે એવો મને પૂરો વિશ્વાસ છે. આ તમામ લોકો હવે આમ આદમી પાર્ટીને સત્તામાં લાવવાનું કામ કરશે. આ ચૂંટણી અમારા વતી જનતા લડશે અને અમારા ઉમેદવારોને જીત અપાવશે, એવી અમને પૂરી ખાતરી છે.
