Surat Crime News: સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં માનવતાને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. પતિની સતત હિંસા અને ઉશ્કેરણીથી કંટાળી એક પરિણીતાએ સ્વયંને ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. આઘાતજનક બાબત એ છે કે સળગતી પત્નીને બચાવવાને બદલે પતિએ તેનો વીડિયો ઉતાર્યો હતો. આ મામલે ઈચ્છાપોર પોલીસે પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
પતિની સતત હિંસા અને ઝઘડાથી કંટાળી હતી પરિણીતા
મૃતક પરિણીતાની ઓળખ 31 વર્ષીય પ્રતિમાદેવી તરીકે થઈ છે, જેઓ મૂળ બિહારના છપરાના હરબંશ છબીલા સહાની પુત્રી હતી. તેમના લગ્ન રંજિત દિલીપ સહા સાથે થયા હતા અને તેઓ સુરતના ઈચ્છાપોરની જયરાજ સોસાયટીમાં રહેતા હતા. દંપતીને પ્રિયા, આદિત્ય અને અંકુશ નામના ત્રણ સંતાનો છે. પતિ રંજિત ગેરેજમાં નોકરી કરે છે અને નાની-નાની વાતમાં પ્રતિમાદેવી સાથે ઝઘડો કરતો હતો, જેના કારણે ઘરમાં અવારનવાર ક્લેશ થતો હતો.
બાળકો પરથી શરૂ થયેલો ઝઘડો અગ્નિસ્નાન સુધી પહોંચ્યો
ગત 4 જાન્યુઆરીના રોજ આ ઘટના બની હતી. બાળકો અંકુશ અને આદિત્યએ પડોશીએ ધાબા પર સૂકવવા મૂકેલા ઘઉં વેરવિખેર કરી દેતા પિતા રંજિતે તેમને ઠપકો આપ્યો હતો અને સ્કૂલે ન જવા દેવાની ધમકી આપી હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. પ્રતિમાદેવીએ બાળકોનો પક્ષ લેતા રંજિતે તેના પર ભારે ગુસ્સો કરી મારઝૂડ કરી હતી. મારઝૂડથી કંટાળી પ્રતિમાદેવીએ મરી જવાની વાત કરી હતી. ત્યારે આવેશમાં આવીને રંજિતે "ઘરમાં તેલ પડ્યું છે, તે લઇ સળગી જા" કહીને ઉશ્કેરણી કરી હતી.
પતિ બચાવવાને બદલે વીડિયો ઉતારતો રહ્યો
પતિની ઉશ્કેરણીથી આવેશમાં આવેલી પ્રતિમાદેવીએ શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. આ સમયે રંજિતે પત્નીને બચાવવાનો કોઈ પ્રયાસ કરવાને બદલે તેનો વીડિયો ઉતાર્યો હતો અને તેણીને સળગવા દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાદેવીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. રંજિતે શરૂઆતમાં આ ઘટનાને અકસ્માતે દાઝી જવાનું જુઠ્ઠાણું ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હોસ્પિટલના બિછાનેથી પ્રતિમાદેવીએ તેમના ભાઈ જયપ્રકાશને પોતે સળગી હોવાની હકીકત જણાવી હતી.
સસરાની ફરિયાદના આધારે પતિની ધરપકડ
ઘટના બાદ પ્રતિમાદેવીના પિતા હરબંશ છબીલા સહાએ જમાઈ રંજિત દિલીપ સહા વિરુદ્ધ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રંજિત સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. પોલીસે ઘટના સ્થળ પરથી મળેલા પુરાવા, વીડિયો ક્લિપ અને સાક્ષીઓના નિવેદનોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
