Surat ST bus fire incident: સુરત શહેરમાં એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા કર્મનાથ મંદિર પાસે મુસાફરોથી ભરેલી એક એસટી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે, બસના ડ્રાઈવરે સમયસૂચકતા દાખવીને ત્વરિત પગલાં લેતા બસમાં સવાર તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ચાલતી ST બસ ભડભડ ભડકે બળી
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, તરસાડી-સુરત રૂટની ST બસ સુરતથી તરસાડી તરફ જઈ રહી હતી. રાત્રિના સમયે જ્યારે બસ કાપોદ્રા કર્મનાથ મંદિર પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ડ્રાઈવરને બસના એન્જિનના ભાગેથી ધુમાડો નીકળતો હોવાનું જણાયું હતું.
51 મુસાફરો સમય રહેતા બચી ગયા
કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ, સતર્ક ડ્રાઈવરે તાત્કાલિક બસને રસ્તાની સાઈડમાં ઊભી રાખી દીધી હતી. ડ્રાઈવર-કંડકટર સહિત તમામ 51 મુસાફરોને બસમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. મુસાફરો નીચે ઉતર્યાની ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, અને આખી બસ આગની લપેટમાં આવીને ખાખ થઈ ગઈ.
ફાયર બ્રિગેડને રોંગ સાઈડમાં દોડવું પડ્યું
આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થયો હતો. પરંતુ, કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ એટલું બધું હતું કે ફાયર બ્રિગેડની 3 ગાડીઓને સમયસર પહોંચવા માટે રસ્તા પર રોંગ સાઈડમાં દોડવું પડ્યું હતું. ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ ગઈ હતી.
આ પણ વાંચો: Surat: સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે હોટલમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું, આરોપી પર ગંભીર આક્ષેપ
પોલીસ કાર્યવાહી, આગ લાગવાનું કારણ
સળગતી બસને જોવા માટે રસ્તા પર લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા, અને વાહનો ઉભા રહી જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને પગલે કાપોદ્રા પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક જામ હળવો કરાવીને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.
સદનસીબે, ડ્રાઈવરની સતર્કતાના કારણે આ ભયાનક આગમાં કોઈ જાન હાનિ કે ઈજા નોંધાઈ નથી. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ લાગવા પાછળનું મુખ્ય કારણ બસના એન્જિનમાં થયેલું શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આ ST બસ આગમાં બળીને સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ ગઈ હતી.
