Surat News: સુરત શહેરના ભરચક ગણાતા અઠવા વિસ્તારમાં ધોળે દિવસે કેટલાક યુવાનો વચ્ચે સામાન્ય બાબતે મારામારી થઇ હતી. 6 જેટલા લબર મુછીયા યુવાનો એકબીજા પર તૂટી પડ્યા હતા. જાહેરમાં મારામારીનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
મળતી માહિતી મુજબ સુરત શહેરના અઠવા લાઈન્સના હીજડા વાડ વિસ્તારમાં રસ્તા પર વાહન હટાવવા મુદ્દે કે પછી ઓવરટેક મુદ્દે બે પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં વાત વણસી ગઈ અને 6થી વધુ લબરમુછીયા યુવાનો જાહેરમાં એકબીજા પર તૂટી પડ્યા હતા.
આવેશમાં આવેલા આ યુવાનોએ કાયદાનો ભય નેવે મૂકીને રસ્તા પર પડેલી લાકડાની ફ્રેમ અને કમરના પટ્ટા વડે સામસામે હુમલા કર્યા હતા. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ યુવાનોમાં કાયદાનો કોઈ જ ભય રહ્યો નથી. તેઓ જાહેર રસ્તા પર જ એકબીજાના વાળ ખેંચીને, ધક્કામુક્કી કરીને અને લાતો મારીને હિંસા પર ઉતરી આવ્યા હતા.
જાહેરમાં થયેલી આ મારામારીનો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં અઠવા પોલીસ દ્વારા તરત તપાસ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયાના આધારે પોલીસે ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોની ઓળખ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝઘડાનું મુખ્ય કારણ માત્ર રસ્તા પર વાહન હટાવવાની બાબત હતું. હાલ અન્ય સંડોવાયેલા યુવાનોની શોધખોળ ચાલી રહી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
