Surat News: સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે સુરત મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રસ્તાની નબળી કામગીરીની પોલ ખુલી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. હજુ તો ચોમાસા(Monsoon 2026)ની વિધિવત શરૂઆત પણ થઈ નથી અને શહેરમાં વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી, ત્યાં જ પાલિકાના હલકી કક્ષાના રોડ કામની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં અંદાજીત 500 મીટર સુધીનો મુખ્ય રોડ વચોવચથી બેસી ગયો છે અને જાણે ભૂકંપ આવ્યો હોય તેવી મોટી-મોટી તિરાડો પડી ગઈ છે. આ દુર્ઘટનામાં રસ્તા પરથી પસાર થતું એક ભારેભરખમ ડમ્પર રસ્તાની વચ્ચે જ ખૂંપી ગયો હતો.
ડીંડોલી વિસ્તારમાં રસ્તા પર તિરાડો પડી ગઇ
હજુ ચોમાસાની વિધિવત શરુઆત થઇ નથી અને સુરત શહેરમાં હજુ વરસાદ પણ પડ્યો નથી ત્યાં ડીંડોલી વિસ્તારમાં રોડમાં તિરાડો પડી ગઇ હતી. ન્યૂ ડીંડોલી તરફ જવાના આ રોડ પર તિરાડો પડી ગઇ હતી અને રસ્તો બેસી ગયો હતો, દરમ્યાન અહીથી એક ડમ્પર પસાર થઇ રહ્યું હતું આ ડમ્પર રોડમાં ખુપી ગયું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. થોડા સમય પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો અને રોડમાં તિરાડો પડી જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
ચોમાસા પહેલા આટલો રોડ ખરાબ થઇ ગયો
બીજી તરફ જેસીબી મંગાવીને ડમ્પરમાંથી સમાન બહાર કાઢવામાં આવ્યો હતો. થોડા સમય પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે બનેલા આ રોડની આવી દશા જોઈને તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક દિનેશ પટેલએ જણાવ્યું હતું કે ચોમાસા પહેલા આટલો રોડ ખરાબ થઇ ગયો છે એટલે લોકોને આવવા જવા ખુબ તકલીફ પડશે.

ચોમાસામાં કેવી પરિસ્થિતિ થશે તેવો સ્થાનિકોનો સવાલ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મનપાએ પબ્લિકના વેરાથી આ કામ કર્યા છે, લોકો વેરા ભરે છે, આવવા જવાના રસ્તાના ટેક્સ ભરે છે, વાહનોના ટેક્સ ભરે છે, અહિયાં રોડ બેસી ગયો છે, હજુ તો ચોમાસું ચાલુ નથી થયું, હજુ તો ચોમાસાના 4 મહિના બાકી છે ત્યારે ચોમાસામાં કેવી પરિસ્થિતિ થશે, સુરતમાં મનપાના અનેક જગ્યાએ કામ થયા હશે તો બીજી જગ્યાએ પણ શું સ્થિતિ હશે, તેમણે માંગ કરી હતી કે આવી કામગીરીને રોકવા માટે સખ્ત ચેકિંગ કરવું જોઈએ, સ્થળ પર ચેકિંગ કરવું જોઈએ, જે લોકો સ્થળ પર હાજર હોય અને ચેકિંગ કરે તેમજ જે લોકોએ કામ કર્યું હોય તેમના પર કેસ થવા જોઈએ.
