Loading...

Surat News: ક્રિકેટના મેદાનમાં બેટિંગ બાદ બેંક ક્લાર્કનુ ઢળી પડ્યા બાદ મોત, બે વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી

મેહુલભાઈના મોતથી તેમના બે વર્ષના માસૂમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જુવાનજોધ દીકરાના મોતથી વૃદ્ધ માતા-પિતા તથા પત્ની આઘાતમાં સરી પડ્યા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 12 Jan 2026 03:56 PM (IST)Updated: Mon 12 Jan 2026 03:56 PM (IST)
surat-news-bank-clerk-dies-after-collapsing-while-batting-on-cricket-field-672914

Surat News: સુરતના ડીંડોલી-નવાગામ વિસ્તારમાં રવિવારની રજામાં ક્રિકેટ રમતા એક યુવાન અચાનક બેભાન થઇ ગયો હતો બીજી તરફ તેને હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે, બીજી તરફ તેના બે વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

મળતી માહિતી મુજબ સુરતના ડીંડોલી નવાગામના ધોડિયાવાડ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મેહુલ સતીશભાઈ પટેલ રવિવારે સવારે મિત્રો સાથે નંદનવન ટાઉનશીપ પાસેના મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા. મેહુલભાઈ બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંકની ડુભાલ શાખામાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. મેચમાં પોતાની બેટિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ મેદાનના ડિવાઈડર પર આરામ કરવા બેઠા હતા, ત્યારે અચાનક તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા.

મિત્રો તાત્કાલિક મેહુલભાઈને કારમાં સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ, મેહુલભાઈનું મોત હાર્ટએટેકથી થયું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

મેહુલભાઈના મોતથી તેમના બે વર્ષના માસૂમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જુવાનજોધ દીકરાના મોતથી વૃદ્ધ માતા-પિતા તથા પત્ની આઘાતમાં સરી પડ્યા છે. સ્થાનિક કોર્પોરેટર સુધાકર ચૌધરી સહિતના અગ્રણીઓએ પણ આ ઘટના અંગે ઘેરો શોક વ્યક્ત કર્યો છે.