Pure and Analog Paneer Poster: રાજ્યમાં નકલી પનીરનો જથ્થો ઝડપાવાની ઘટનાઓ સામે આવ્યા બાદ સરકાર એક્શન મોડમાં આવી છે. હવે હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા જતા ગ્રાહકોને પીરસવામાં આવતું પનીર શુદ્ધ છે કે એનાલોગ (કૃત્રિમ) તેની પારદર્શક જાણકારી મળી રહે તે માટે સરકારે તમામ રેસ્ટોરન્ટ્સને બેનરો લગાડવાની કડક સૂચના આપી છે.
સુરતમાં નવા નિયમનો અમલ શરૂ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના સૂચન બાદ સુરતમાં હોટલો અને રેસ્ટોરન્ટમાં પોસ્ટર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના રેલવે સ્ટેશન ખાતે આવેલ રેસ્ટોરન્ટમાં શુદ્ધ અને એનાલોગ પનીર અંગેના બેનર લગાવવામાં આવ્યા છે.
ગ્રાહકોને મળશે પારદર્શક જાણકારી
આ બેનરોના માધ્યમથી હોટલની અંદર કયા પ્રકારના પનીરનો ઉપયોગ થાય છે તેની સ્પષ્ટ જાણકારી ગ્રાહકોને આપવામાં આવી રહી છે. રેસ્ટોરન્ટમાં બંને પ્રકારના પનીરની સબ્જી બનાવવામાં આવે છે, જેથી હવે ગ્રાહક પોતાની ઈચ્છા અને બજેટ મુજબ કયું પનીર ખાવું તે જાતે જ નક્કી કરી શકશે.

શું બંને પનીર લીગલ અને યોગ્ય છે?
સઘન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ અરુણભાઈ શેટ્ટીએ હેલ્થ વિભાગની આ સૂચના અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, બજારમાં બે પ્રકારના પનીર ઉપલબ્ધ છે. એક શુદ્ધ દૂધમાંથી બનતું પનીર છે. જ્યારે બીજું એનાલોગ પનીર છે, જે તેલમાંથી બનાવવામાં આવે છે અને તે અડધી કિંમતે મળે છે.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ બંને પનીર લીગલ છે અને રેસ્ટોરન્ટ સંચાલકો પોતાની અનુકૂળતા મુજબ કોઈ પણ પનીર વાપરી શકે છે, પરંતુ તેઓએ ગ્રાહકો સમક્ષ પારદર્શિતા રાખવી પડશે. જો રેસ્ટોરન્ટ શુદ્ધ દૂધનું પનીર વાપરતી હોય તો તેમણે તે મુજબનું બેનર લગાવવું પડશે, અને જો એનાલોગ પનીર વાપરતા હોય તો તેનું બોર્ડ મારવું પડશે.
એનાલોગ પનીર સસ્તું, પણ હાનિકારક
અરુણભાઈએ વધુમાં જણાવ્યું કે, શુદ્ધ દૂધનું પનીર પ્રમાણમાં થોડું મોંઘુ હોય છે, જ્યારે એનાલોગ પનીર સસ્તું હોય છે. જોકે, એનાલોગ પનીર તેલ અને હાઇડ્રોજનેટેડ ફેટથી બનતું હોવાથી તે લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. લોકોએ પોતાના સ્વાસ્થ્ય માટે ખુદ જાગૃત બનવું પડશે, અને જો તેઓ સારું અને શુદ્ધ ખાવાનો આગ્રહ રાખશે તો હેલ્થ સંબંધી કોઈ સમસ્યા ઊભી થશે નહીં.
