Surat: ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ અને સુરત હોર્સ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અડાજણ કેબલ બ્રિજ રિવરફ્રન્ટ ખાતે આયોજિત 7મા તાપી અશ્વ શો-2026નું ભવ્ય સમાપન થયું છે. ચાર દિવસીય અશ્વ મહોત્સવમાં અશ્વોની શક્તિ, ગતિ અને સૌંદર્યનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો, જેમાં 1 લાખ 20 હજારથી વધુ નાગરિકોએ મુલાકાત લઈ અશ્વ સંસ્કૃતિને સંસ્કૃતિને માણી હતી.
આ શોમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રથી આવેલા મારવાડી, કાઠિયાવાડી, કચ્છી અને સિંધી નસલના 340થી વધુ જાતવાન અશ્વો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ખાસ કરીને ભારતના ખ્યાતનામ અશ્વો બ્રહ્મોસ, શિવરાજ, કબીર, ભૈરવ, દિલરાજ, ભારત વિજય, રાધા, કાયરા, રોનાલ્ડો જેવા વિશિષ્ટ અશ્વોએ ઉપસ્થિત રહી શોને માણવાલાયક બનાવ્યો હતો. ભારતમાં યોજાતા વિવિધ મેળામાં ભાગ લેનાર અને સ્ટેલિયન કેટેગરીમાં સાત વાર વિનર બનનાર 'આર.પી' અશ્વને પણ સૌએ અહીં નિહાળ્યો હતો.

ચાર દિવસ દરમિયાન અશ્વો અને અશ્વસવારો વચ્ચેના તાલમેલને રજૂ કરતી વિવિધ રોમાંચક સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ટેન્ટ પેગિંગ, હોર્સ ડાન્સ, બેરલ રેસ, મિલ્ક ટીથ ફિલી-કોલ્ડ, ગરો લેવો અને સંગીત ખુરશી જેવી રમતો યોજાઈ હતી. ઘોડાઓની રેવાલ ચાલ અને હોર્સ કાર્ટ રાઈડિંગએ સૌને ચકિત કર્યા હતા. ભાવનગરના ગોહિલવાડ પોલો ક્લબના અશ્વોએ શાન વધારી હતી, 10થી વધુ થરો બ્રિડના અશ્વોએ સ્પોર્ટ્સમાં ભાગ લીધો હતો.
નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ભારતીય મૂળની અશ્વ નસલોના સંરક્ષણ અને સંવર્ધન માટે મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં દર વર્ષે ત્રણ અશ્વ શો યોજવા માટે આગામી બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. વિવિધ નસલોના વૈજ્ઞાનિક ઢબે સંવર્ધન માટે નવા બ્રીડિંગ સેન્ટરો સ્થાપવા રાજ્ય સરકાર અને હોર્સ સોસાયટીઓ ઉત્સુક છે. નવી પેઢી એનિમલ સ્પોર્ટ્સ અને આપણી ભવ્ય અશ્વ સંસ્કૃતિથી પરિચિત થાય તેવો આ આયોજનનો મુખ્ય હેતુ રહ્યો છે.

સુરતના વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક ડો.કે.એમ.ડામોર સહિત તબીબોનો ટીમ વિશેષ ઉપસ્થિત રહી હતી. આ શોના માધ્યમથી પશુપાલકોને પ્રોત્સાહન મળવાની સાથે ગુજરાતની અશ્વ સંસ્કૃતિને પુનર્જીવિત કરવામાં એક નવી દિશા મળી છે.
અશ્વોની કિંમત અને જાળવણી
આ શોમાં ભાગ લેનારા 'બ્રહ્મોસ' અને 'આર.પી.' જેવા અશ્વોની કિંમત કરોડોમાં અંકાય છે. કેટલાક અશ્વો તો એટલા કિંમતી હોય છે કે તેમના માલિકો તેમને વેચવા માટે પણ તૈયાર હોતા નથી. આ જાતવાન અશ્વોનો દૈનિક ખોરાક સામાન્ય પશુઓ કરતા અલગ હોય છે. તેમને ડાયેટમાં દેશી ઘી, દૂધ, ચણા, જવ અને સૂકો મેવો પણ આપવામાં આવે છે. એક ઘોડાનો મહિનાનો જાળવણી ખર્ચ ₹20,000 થી ₹50,000 સુધી હોઈ શકે છે.
